સમલૈગિકો માટે કામ કરતી સંસ્થાના પ્રોજેક્ટ મેનેજરે સદસ્યોના ડોક્યુમેન્ટ બનાવવાના નામે છેતરપિંડી કરી
વડોદરાઃ સમલૈગિકો માટે કામ કરતા લક્ષ્ય ટ્રસ્ટના પ્રોજેક્ટ મેનેજરે સમુદાયના સદસ્યોના ડોક્યુમેન્ટ બનાવવા માટે વ્યક્તિદિઠ મળતા રૃ.૧૦૦૦ પડાવી લેવા ૧૩૧ બોગસ ડોક્યુમેન્ટ બનાવી સંસ્થા સાથે રૃ.૧.૩૧ લાખની ઠગાઇ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મુજમહુડા ત્રણ રસ્તા પાસે શિલાલેખ કોમ્પ્લેક્સ ખાતે આવેલી સમલૈગિકોમાટે કામ કરતા લક્ષ્ય ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે,અમારી સંસ્થા મુંબઇના હમસફર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે.લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા સીઆર-૧૯ આરએમ પ્રોજેક્ટ હેઠળ સમલૈગિક સમુદાયના સદસ્યોને સરકારી યોજનાઓનો લાભ મળે તે આશયથી જેમના ડોક્યુમેન્ટ રહી ગયા હોય અથવા તો જે લોકો જોડાવા માંગતા હોય તેવા લોકોને શોધીને તેમના ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે પ્રોજક્ટ મેનેજર તરીકે ગુલામ મુસ્તુફા ખુરશીદ એહમદ નૈયર(નૈયર મંઝિલ,કુરેશીયા હોલ પાછળ, સિટિ પોલીસ સ્ટેશન સામે,વડોદરા)ને સપ્ટેમ્બર-૨૦૨૩માં માસિક રૃ.૨૦ હજારના પગારથી નોકરીએ રાખ્યો હતો.
પ્રોજેક્ટ મેનેજરને તેના હાથ નીચે કોમ્યુનિટી ફેસિલેટર તરીકે બીજા માણસોને રાખી કામ કરવાની પણ છૂટ આપવામાં આવી હતી.એક વ્યક્તિના ડોક્યુમેન્ટ માટે સંસ્થા દ્વારા ફેસિલેટરના ખાતામાં રૃ.૧ હજાર ચેક થી જમા કરતી હતી.પ્રોજેક્ટ મેનેજર ગઇ તા.૨૦ માર્ચથી ઓફિસે આવવાનું બંધ કર્યું હતું અને ફોન પણ રિસિવ કરતો નહતો.
જેથી તેની કામગીરી અંગે તપાસ કરતાં ગુલામ મુસ્તુફાએ ૧૩૧ લોકોના બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાની કામગીરી બતાવી રૃ.૧.૩૧ લાખ પડાવ્યા હોવાની વિગતો ખૂલી હતી.તેણે તેના હાથ નીચેના કોમ્યુનિટી ફેસિલેટરના ખાતામાંથી આ કામગીરી મારી છે તેમ કહી જમા થયેલા રૃપિયા ઉપાડી લીધા હતા.જેથી જે પી રોડ પોલીસે ગુલામ મુસ્તુફા સામે ગુનો નોંધ્યો છે.