આશ્રમ શાળાના આચાર્ય ૮ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
ઉચ્ચતર પગાર સુધારો અને એરિયર્સ મંજુર થઈ જતા ફરિયાદી પાસેથી લાંચ માંગી હતી
રાજપીપલા,શિક્ષક પાસેથી ૮ હજારની લાંચ લેતા નર્મદા જિલ્લા ના ગરૃડેશ્વર તાલુકાના ફુલવાડી આશ્રમ શાળાના આચાર્ય એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.
નર્મદા જિલ્લાના ઘાંટોલી આશ્રમ શાળાના શિક્ષકને વર્ષ - ૨૦૧૯ થી ઉચ્ચતર પગાર મળવા પાત્ર હોય જે ઉચ્ચતર પગાર અને એરીયર્સ મંજુર થયેલ નહતું. પરંતુ, હાલમાં ઉચ્ચતર પગાર સુધારો તથા એરીયર્સ મંજુર થઇ જમા થયું હતું. આરોપી જેઓ આચાર્ય ફુલવાડી આશ્રમ શાળા જિ.નર્મદા તથા ભરૃચ-નર્મદા આશ્રમ શાળા કર્મચારી સંઘના પ્રમુખ હોઇ તેઓએ ફરીયાદીને જણાવેલ કે, તમારા ઉચ્ચતર પગાર તથા એરીયર્સ મંજુર થઇ બેન્કમાં જમાં થઇ ગયેલ છે.જેથી,તમારે મને મારા ૮ હજાર તથા અધિકારીના ૪ હજાર મળી કુલ ૧૨ હજાર આપવાના છે. પરંતુ, ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. તેઓની ફરીયાદના આધારે આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ે આરોપી રાજેશકુમાર શંકરલાલ ભટ્ટ (વર્ગ-૩) નોકરી, આચાર્ય ફુલવાડી આશ્રમ શાળા તા.ગરુડેશ્વર જી.નર્મદા ( રહે. રૃમ નંબર છસ્/૬૦ રોયલ સનસીટી વડીયા તા.નાંદોદ જિ.નર્મદા મુળ રહે.ઓરી ગામ દેસાઇ પોળ તા.નાંદોદ જિ.નર્મદા) એ ફરિયાદી સાથે રૃબરૃમાં વાતચીત કરી લાંચ પેટે ૮ હજાર લીધા હતા. સૂચિત ઇશારો થતા જ એસીબીની ટીમે રેડ કરી આરોપીને વડોદરાથી પોઇચા જવાના રોડ ઉપર આવેલ નીલકંઠ રેસ્ટોરન્ટ એન્ડ ગેસ્ટ હાઉસ ના રીસેપ્શન પાસે ની ઘુમટીમાં આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.