ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી અને આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયો
મિત્રની ૧૪ વર્ષની બહેનને જ લગ્નની લાલચે ભગાડી ગયો હતો
વડોદરા,મિત્રની ૧૪ વર્ષની બહેનને લગ્નની લાલચ આપી ભગાડી જઇ શારીરિક સંબંધ બાંધનાર આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ, ગત તા.૧૮ મી જૂને દંતેશ્વર સોમા તળાવ બ્રિજ પાસે કૃષ્ણનગરમાં રહેતો વિપીન ઉર્ફે વિપુલ અશ્વિનભાઇ રાઠવા પોતાના મિત્રની બહેનને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. વડોદરાથી ભાગ્યા પછી આરોપીએ પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હતો. જેના કારણે પોલીસને મોબાઇલ ફોનનું લોકેશન મળ્યું હતું. મહિલા પી.આઇ. જી.ડી.રાજપૂત દ્વારા આરોપીના મિત્રો તથા સગા સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ તેના સોશિયલ એકાઉન્ટ પર પણ વોચ રાખવામાં આવી હતી. એક દિવસ વિપુલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી. તેના આધારે પોલીસે તપાસ કરતા માહિતી મળી હતી કે, આરોપી તથા સગીરા હાલમાં નવસારી ખાતે દશેરા ટેકરી સાંઇબાબાના મંદિર પાસે રહે છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને બંનેને શોધી કાઢ્યા હતા. સગીરાને તેના માતા પિતાને સોંપવામાં આવી હતી. જ્યારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.