મળસ્કે ચાર વાગ્યે ચાલતા દારૃના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી
દારૃ અને બિયરની બોટલો સાથે બે આરોપીઓ ઝડપાયા
વડોદરા,મળસ્કે ચાર વાગ્યે થતા દારૃના કટિંગ સમયે જ અટલાદરા પોલીસે રેડ પાડીને બે આરોપીઓને ઝડપી પાડી દારૃ અને બિયરનો જથ્થો કબજે કર્યો છે.
અટલાદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, ગોકુલ નગરમાં રહેતો દીપુ માળી પોતાના મકાનની પાછળના દરવાજા પાસે જીપમાંથી વિદેશી દારૃનો જથ્થો ઉતારી રહ્યો છે. જેથી, પી.આઇ. એમ.કે. ગુર્જરની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડી હતી. મળસ્કે ચાર વાગ્યે પોલીસ પહોંચી ત્યારે જીપ પાસે માધુસીંગ મુકામસીંગ દાવર ( રહે. પુજારીયા ફળિયું, સેજા ગામ,જિ.અલીરાજપુરા, મધ્યપ્રદેશ) મળી આવ્યો હતો. જીપમાં તપાસ કરતા દારૃની બે પેટી મળી આવી હતી. પોતે દીપુ માળીને દારૃ આપવા આવ્યો હોવાનું તેણે જણાવતા પોલીસે દિપક ઉર્ફે દીપુ ઇશ્વરભાઇ માળી ( રહે. ગોકુલ નગર, કલાલી ફાટક, અટલાદરા) ની તપાસ કરતા તે ઘર નજીકથી મળી આવ્યો હતો. તેની પાસેથી પણ દારૃ મળી આવ્યો હતો. પોલીસે બિયરના ૧૯૭ ટીન તથા દારૃની ૪૪ બોટલો કબજે કરી છે. પોલીસે દારૃ, જીપ, મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૫.૯૬ નો મુદ્દામાલ કબજે કર્યો છે.