પોલીસે કોર્પોેરેશન પાસે ડ્રાઇવરની નોકરી અંગેની વિગતો માંગી
અન્ય કોઇ વ્યક્તિને ચોરીનું ડીઝલ વેચતો હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા તપાસ
વડોદરા,કોર્પોરેશનના જેટ મશીનમાંથી ડીઝલ ચોરી કરી વેચી દેવાના કૌભાંડમાં સામેલ આરોપીએ અન્ય કેટલા લોકોને ડીઝલ વેચ્યું છે. તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ડ્રાઇવર કેટલા સમયથી ચોરી કરતો હતો. તેની પણ વિગતો પોલીસ મેળવી રહી છે.
કાર્પોરેશનના જેટ મશીનનો ડ્રાઇવર ડીઝલ ચોરીને સસ્તામાં વેચી દેતો હતો. એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ સ્ટાફે ફતેપુરાના પેટ્રોલ પંપ નજીક આવેલા કટારીયા ટ્રાન્સપોર્ટ ના ગોડાઉન પાસે વોચ ગોઠવી હતી. ડ્રાઇવર આરિફઅલી આસિફઅલી કાદરી (આફરીન ફ્લેટ પાસે, સુએઝ પંપ નજીક, યાકુતપુરા) અને ડીઝલ ખરીદતા હસનમીયા ઈસુબમીયા શેખ(મીનારા કોમ્પ્લેક્સ, સરસિયા તળાવ પાસે,યાકુતપુરા)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે જેટ મશીન,ડીઝલ કાઢવા નાંખેલી પાઇપ,પાંચ કારબા,ડીઝલની હેરાફેરી કરવા માટે થ્રી વ્હીલ ટેમ્પો અને બોલેરો મળી ૧૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રાઇવર આરિફઅલી છેલ્લા એક વર્ષથી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર બાલાજી સિક્યુરિટીઝ સવસમાં કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. અગાઉના કોન્ટ્રાક્ટમાં પણ તેને સાત વર્ષ સુધી કામ કર્યુ હતું. આ કેસની તપાસ કરતી કુંભારવાડા પોલીસે ડ્રાઇવર કયા રૃટ પર ફરતો હતો, અગાઉ કઇ ગાડી ચલાવતો હતો, તેની નિમણૂંક કેવી રીતે કરવામાં આવી હતી. તેની વિગતો કોર્પોરેશન પાસે માંગી છે. ડ્રાઇવરે અન્ય કોને ચોરીનું ડીઝલ વેચ્યું છે. તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ કૌભાંડ ઘણા સમયથી ચાલતું હોવાછતાંય કોર્પોરેશનનું તંત્ર ઊંઘતું રહ્યું હતું.