જૈમિન પંચાલ લૂંટ વીથ મર્ડર કેસ ફાઇનાન્સ કંપની પાસેથી દાગીના પરત લેવા માટે પોલીસે નોટિસ મોકલી
હત્યામાં વપરાયેલી જૈમિન પંચાલની બાઇક ગેરેજવાળા પાસેથી પોલીસે કબજે લીધી
વડોદરા,મિત્રનું મર્ડર કરીને તેના દાગીના લૂંટી લઇ ખાનગી ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી ૨.૩૦ લાખ આરોપી જીમ ટ્રેનરે લઇ લીધા હતા. તે રૃપિયા પરત મેળવવા માટે મકરપુરા પોલીસે ખાનગી ફાઇનાન્સ કંપનીને નોટિસ પાઠવી છે.
તરસાલી મોતી નગરમાં રહેતા અને સિવિલ કોન્ટ્રાક્ટનું કામ કરતા જૈમિન પંચાલે તેના મિત્ર અને જીમ ટ્રેનર સતિષ વસાવાને એક લાખ રૃપિયા ઉછીના આપ્યા હતા. તે રૃપિયા પરત ચૂકવવા ના પડે તે માટે જીમ ટ્રેનર સતિષ વસાવાએ જૈમિન પંચાલને દારૃ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ તેની લાશ સગેવગે કરીને સતિષ વસાવાએ જૈમિનના ઉતારી લીધેલા દાગીના ખાનગી ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી ૨.૩૦ લાખ લઇ લીધા હતા. હાલમાં જીમ ટ્રેનર સતિષ વસાવા અને તેની માતા આઠુબેન રિમાન્ડ પર છે. દરમિયાન પોલીસે સતિષે ગીરવે મૂકેલા દાગીના રિકવર કરવા માટે ખાનગી ફાઇનાન્સ કંપનીને નોટિસ મોકલી છે. તેમજ આરોપી સતિષે લાશ સગેવગે કરવામાં ઉપયોગમાં લીધેલી જૈમિનની બાઇક એક ગેરેજવાળાને વેચવા આપી હતી. તેની પાસેથી પોલીસે બાઇક કબજે લીધી છે.