વિરલને પકડવા ચાર કલાક પોલીસે દોડધામ કરી : રિક્ષામાં ઘરે આવતા જ ઝડપી લીધો
યુવક અને તેનો પરિવાર મૂળ મુંબઇના વતની છે, ચાર મહિના પહેલા જ વડોદરા રહેવા આવ્યા હતા
વડોદરા,વાઘોડિયા રોડ સુવર્ણપુરી એપાર્ટમેન્ટમાં રહેતા યુવકને મુંબઇ ક્રાઇમ બ્રાંચની ટીમ પકડીને લઇ ગઇ હતી. જેના પગલે એપાર્ટમેન્ટના રહીશો પણ ચોંકી ગયા છે. આ પરિવાર છેલ્લા ચાર મહિનાથી અહીંયા ફ્લેટમાં ભાડે રહેતો હોવાની માહિતી મળી છે. જોકે, હાલમાં યુવકનો પરિવાર કોઇની સાથે વાત કરવા તૈયાર નથી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીના મેસેજના પગલે મુંબઇ ક્રાઇમ બ્રાંચે તપાસ શરૃ કરી હતી. ધમકી વડોદરામાં રહેતા વિરલ નામના યુવકે સોશિયલ મીડિયા પરથી આપી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જેના પગલે મુંબઇ પોલીસ વડોદરા આવીને વિરલને પકડી ગઇ હતી. એસ.ઓ.જી. અને બાપોદ પોલીસની મદદથી વિરલને રિક્ષામાં ઘરે આવતા જ એપાર્ટમેન્ટની નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. વિરલ કલ્પેશભાઇ આશરા તેના માતા, પિતા અને બહેન સાથે રહેતો હતો. વિસ્તારમાંથી મળતી માહિતી મુજબ, આ પરિવાર મૂળ મુંબઇનો છે અને ચાર મહિના પહેલા જ તેઓ વડોદરા રહેવા આવ્યા હતા. જે ફ્લેટમાં તેઓ રહેતા હતા. તે ફ્લેટ તેમના માસીનો છે. જેઓ વર્ષોથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા છે. અગાઉ આ ફ્લેટમાં એક દંપતી રહેતું હતું. અગાઉ આ ફ્લેટમાં કંપનીમાં નોકરી કરતા અને કોલેજમાં અભ્યાસ કરતા યુવકો રહેતા હતા. મકાન માલિક તો વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા હોવાથી તેઓને ફ્લેટના અન્ય રહીશો ઓળખતા પણ નથી. જોકે, ચાર મહિના પહેલા જ તેઓ રહેવા આવ્યા હોવાથી સ્થાનિક રહીશોને કંઇ વધારે માહિતી નથી.