કોલેજીયન દક્ષ પટેલનું મર્ડર કરનાર મિત્રને સાથે રાખી પોલીસે રિકન્સટ્રક્શન કર્યુ
આજે આરોપીને કોર્ટમાં રજૂ કરાશે : ત્રણ કલાક સુધી ચાલેલું રિકન્સટ્રક્શન
વડોદરા, અલંકાર ટાવરના બેઝમેન્ટમાં કોલેજીયન યુવકની થયેલી ઘાતકી હત્યાના બનાવમાં પોલીસે તેના મિત્રની ધરપકડ કરી હતી.પોલીસે આજે આરોપીને સાથે રાખીને હત્યાની ઘટનાનું રિકન્સટ્રક્શન કરાવ્યું હતું.આવતીકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
માંજલપુરની શિવમ સોસાયટીમાં રહેતા ફેક્ટરી માલિક હસમુખભાઇ પટેલનો એસ વાય બીકોમમાં ભણતો પુત્ર દક્ષ પટેલ છેલ્લા નોરતાએ ગરબા જોવા માટે ગયો ત્યારબાદ તેનો ફોન બંધ થઇ ગયો હતો . બીજા દિવસે સયાજીગંજના અલંકાર ટાવરના બેઝમેન્ટમાંથી તેની હાથપગ બાંધેલી હાલતમાં લાશ મળી હતી.દક્ષના છાતી અને પેટમાં ઘા ઝીંકાતા આંતરડા બહાર નીકળી ગયા હતા.
પોલીસે બનાવના સીસીટીવી ફૂટેજ,મોબાઇલ નંબરની ડીટેલ તેમજ મરનારના મિત્રો પાસે વિગતો મેળવી દક્ષની હત્યા કરનાર મિત્ર પાર્થ કમલભાઇ કોઠારી (અંબિકાશ્રય ફ્લેટ્સ,જય શંકર સોસાયટી પાછળ, સાંઇ ચોકડી પાછળ,માંજલપુર)ને ઝડપી પાડયો હતો.આરોપીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.કેસના પુરાવા મેળવવા માટે પોલીસે આરોપીને સાથે રાખીને આજે ઘટનાનું રિકન્સટ્રક્શન કરાવ્યું હતું.
આરોપીએ અલંકાર ટાવરમાં જઇને સૌપ્રથમ રીલ સ્ટોરી બનાવવાનું કહીને દક્ષના હાથ અને પગ કેવી રીતે બાંધ્યા હતા ?કેવી રીતે હત્યા કરી હતી ?હત્યા કર્યા પછી ક્યાં ગયો અને શું કર્યુ ? તેની વિગતો પોલીસે મેળવી હતી.અંદાજે એક કલાક સુધી ચાલેલા રિકન્સટ્રક્શનની વીડિયોગ્રાફી પણ પોલીસે કરી હતી.પોલીસની પૂછપરછમાં પાર્થ કોઠારીને એક યુવતી સાથે ફ્રેન્ડશિપ હતી અને દક્ષ તેના પ્રેમપ્રકરણમાં નડતરરૃપ બનતો હોવાથી તેણે દક્ષની હત્યાનો પ્લોટ ઘડયો હોવાનું ખૂલ્યું છે.જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.