બળાત્કાર કેસના આરોપીને પકડવા પોલીસ મજુરનો વેશ ધારણ કરીને જુનાગઢ પહોંચી

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
બળાત્કાર કેસના આરોપીને પકડવા પોલીસ મજુરનો વેશ ધારણ કરીને જુનાગઢ પહોંચી 1 - image


પાલજની સગીરાનું ત્રણ વર્ષ અગાઉ અપહરણ કર્યું હતું

પોલીસથી બચવા કેશોદના ખેતરમાં સંતાયેલા આરોપીને ઝડપી લઈ એલસીબીની ટીમ ગાંધીનગર આવી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા પાલજમાં રહેતી સગીરાનું અપહરણ કરીને તેની ઉપર બળાત્કાર ગુજારનાર આરોપી જૂનાગઢના કેશોદના ખેતરમાં સંતાયો હોવાની બાતમીના પગલે ગાંધીનગર એલસીબીની ટીમ ખેત મજૂરનો વેશ ધારણ કરીને પહોંચી હતી અને આરોપીને ઝડપી લઇ ગાંધીનગર લવાયો છે અને ચિલોડા પોલીસના હવાલે કરી દીધો હતો.

ગાંધીનગર જિલ્લાના પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાતા રહે છે પરંતુ ઘણા ગુનાઓમાં આરોપીઓ નહીં પકડાતા પોલીસ દ્વારા તેવા આરોપીઓની યાદી તૈયાર કરીને કોઈ પણ સંજોગોમાં તેને શોધી કાઢવા માટે પ્રયાસ કરવામાં આવતા હોય છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા પણ ફરાર થઈ ગયેલા આવા આરોપીઓને પકડવા માટે ગાંધીનગર એલસીબી ટુ પી.આઇ એચ.પી પરમારને સુચના આપવામાં આવી હતી. જેના પગલે એલસીબીની ટીમ આરોપીઓને પકડવા મથી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ચિલોડા પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૦માં નોંધાયેલા અપહરણ અને બળાત્કારના ગુનામાં ફરાર આરોપી અજય નારણભાઈ રાવળ મૂળ રહે સંતરામપુર મહીસાગર હાલ જૂનાગઢના કેશોદ ખાતે મોટી ઘસારી ગામ ખાતે ખેત મજૂર તરીકે કામ કરી રહ્યો છે. જે બાતમીના પગલે ગાંધીનગર એલસીબીની ટીમ પણ આરોપીને પકડવા માટે પહોંચી હતી અને આરોપી ભાગી ના જાય તે માટે બે દિવસ સુધી મજૂરના વેશમાં ફરી હતી અને ચોક્કસ માહિતી મળતા આરોપી અજય રાવળને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ અગાઉ આરોપીએ પાલજ ગામની સગીરાનું અપહરણ કર્યું હતું અને બળાત્કાર પણ ગુજાર્યો હતો જોકે સગીરા તેની ચુંગાલમાંથી છૂટીને ઘરે પરત આવી ગઈ હતી પરંતુ આરોપી પોલીસથી બચવા માટે છુપાતો ફરતો હતો.


Google NewsGoogle News