Get The App

ડી.જે. પર ગરબા રમતા જોઇ પોલીસ અધિકારી ભડક્યા : પોલીસ કર્મીઓને હાથમાં રાઇફલ પકડાવી દોડાવ્યા

.ભાયલી ખાતે નવી બનેલી પોલીસ લાઇનમાં ગણેશોત્સવ દરમિયાન બનેલી કથિત ઘટના અંગે ડી.એસ.પી. દ્વારા તપાસ સોંપાઇ

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
ડી.જે. પર ગરબા રમતા જોઇ પોલીસ અધિકારી ભડક્યા : પોલીસ કર્મીઓને હાથમાં રાઇફલ પકડાવી દોડાવ્યા 1 - image

વડોદરા,ગણેશોત્સવ દરમિયાન ભાયલી ખાતે તાલુકા પોલીસ લાઇનમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશોત્સવમાં  ડી.જે. પર સ્થાનિક રહીશો ગરબા રમતા હતા. તે દરમિયાન એક પોલીસ અધિકારી ત્યાં દોડી  આવ્યા હતા. તેમણે ડી.જે.ના સંચાલકને ધમકાવી કાઢી મૂક્યો હતો.  આ જોઇને ભડકી ઉઠેલા અધિકારીએ  સ્થળ પર હાજર ૨૦ જેટલા પોલીસ  મહિલા અને પુરૃષ કર્મચારીઓને હાથમાં રાઇફલ પકડાવી દોડાવ્યા  હતા. આ કથિત ઘટના અંગે ડીએસપી દ્વારા ઇન્કવાયરી સોંપવામાં આવી છે.

વડોદરા  જિલ્લા પોલીસમાં એક એવી ચર્ચાએ જોર પકડયું છે કે, ભાયલી વિસ્તારમાં નવા બનાવવામાં આવેલા તાલુકા પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇનનું આ વર્ષે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વર્ષે પોલીસ લાઇનમાં રહેતા પોલીસ જવાનોના પરિવારજનો દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસર્જનના દિવસે પોલીસ જવાનોના પરિવારજનોએ ડી.જે. મંગાવ્યું હતું અને ગરબા રમતા હતા. તે દરમિયાન એક પોલીસ અધિકારી ત્યાં દોડી આવ્યા હતા. તેમણે ગરબા બંધ કરાવી દીધા હતા. તેમજ ડી.જે.ના સંચાલકને ધમકાવી રવાના કરી દીધો હતો. પોલીસ અધિકારી આટલેથી અટક્યા નહતા. ગરબા રમતા પુરૃષો અને મહિલાઓના હાથમાં રાઇફલ પકડાવી પોલીસ  લાઇનમાં દોડાવ્યા હતા.

આ દ્રશ્ય જોવા માટે પોલીસ સ્ટેશનમાં કામ માટે આવેલા નાગરિકો  તેમજ તેમના સગાઓ પણ ઉભા રહી ગયા હતા. આ ઘટનાની ચર્ચાએ પોલીસ બેડામાં ચકચાર મચાવી છે. પોલીસ અધિકારીને આ પ્રસંગ શિસ્ત ભંગ કે અન્ય કોઇ કાયદાનું ઉલ્લંઘન જણાયું હોય તો તેઓ કાયદેસરની કાર્યવાહી કરી શક્યા હોત. પરંતુ, આ રીતે જાતે જ  સજા  આપવાની તેમની મનમાનીથી લોકોમાં રોષ સાથે નારાજગી છે.

 આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના  પી.એસ.આઇ. જે.યુ. ગોહિલને પૂછતા તેમણે આવી કોઇ ઘટના બની નહીં હોવાનું જણાવ્યું હતું.  ડી.એસ.પી.એ જણાવ્યું હતું કે,  લોકોમાં આ કથિત બનાવની ચાલતી  ચર્ચા મારે ધ્યાને આવી છે. જેની સત્યતા ચકાસવા માટે મહિલા પી.આઇ.ને તપાસ સોંપી છે. 


Google NewsGoogle News