પોલીસ મર્ડર કેસની તપાસ એવી રીતે કરી રહી છે કે, આરોપીઓનો બચાવ થાય
તાલુકાના પી.એસ.આઇ.ને ફરજ મોકૂફકરવા માટે માંગણી : તપાસ અન્ય એજન્સીને સોંપવાની માંગણી
વડોદરા,અસીલ દ્વારા સિનિયર વકીલની ક્રૂરતાપૂર્વક કરવામાં આવેલી હત્યાના ગુનાની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. યોગ્ય રીતે કરી રહ્યા નહીં હોવાના આક્ષેપ સાથે તપાસ એસ.ઓ.જી., એલ.સી.બી. અથવા ડીવાય.એસ.પી. કક્ષાના અધિકારી મારફતે કરાવવા માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે.
સિનિયર વકીલ વિઠ્ઠલપ્રસાદ પંડિતના પુત્ર યશસ્વીપ્રસાદે જિલ્લા પોલીસ વડાને અરજી કરી જણાવ્યું છે કે, ગત તા.૩૧ મી ની રાતે સાડા નવ વાગ્યે અમને જાણ થતા અમે સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તે સમયે મારા પિતાની સારવાર ચાલુ હતી. સારવાર દરમિયાન રાતે દોઢ વાગ્યે તેઓનું અવસાન થયું હતું. મારા પિતાના મૃતદેહ પર જુદા - જુદા ભાગ પર ઇજાના નિશાનો હતા. ત્યારબાદ અમને જાણવા મળ્યું હતું કે, મારા પિતાને તેમના અસીલ નરેશ રાવળે મારક હથિયાર વડે ઇજા પહોંચાડી હત્યા કરી છે. તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જે.યુ. ગોહિલે આ અંગે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માગંણી કરી હતી. તપાસ અધિકારી આ બનાવની ગંભીરતા ધ્યાને લઇ યોગ્ય અને તટસ્થ તપાસ કરી રહ્યા નથી. પકડાયેલા તેમજ નહીં પકડાયેલા આરોપીઓનો પોલીસ બચાવ કરી રહી હોવાનું સ્પષ્ટ જણાય છે. નજરે જોનાર સાહેદોના નિવેદનો, અન્ય આરોપીઓની સંડોવણી, સાંયોગિક પુરાવાઓ, વૈજ્ઞાાનિક પુરાવાઓ, તબીબી પુરાવાઓ, બનાવ સ્થળે ઉપસ્થિત લોકો મારફતે આરોપીની ઓળખ પરેડ સહિતના મુદ્દાઓની યોગ્ય દિશામાં ઉંંડાણપૂર્વક તપાસ કરવામાં આવી નથી.
જો પોલીસ યોગ્ય તપાસ નહીં કરે તો કોઇપણ વ્યક્તિની સરેઆમ હત્યા, લૂંટફાટ જેવા ગંભીર ગુના કરતા આરોપીઓ ખચકાય નહીં. તપાસ અધિકારીની તપાસ ખૂબ જ બેદરકારી અને નિષ્કાળજી ભરી તેમજ આરોપીઓને મદદરૃપ થાય તેમ છે. તેઓની સામે યોગ્ય ખાતાકીય તપાસ કરી તપાસની બેદરકારી બદલ તેઓને ફરજ મોકૂફ કરવા રજૂઆત કરવામાં આવી છે.