અભ્યાસ અને સોશ્યલ મીડિયા પર ચેટિંગના મુદ્દે ઠપકો મળતાં ઘર છોડનાર બંને વિદ્યાર્થીને પોલીસે શોધી કાઢ્યા
વડોદરાઃ શહેરના ન્યુવીઆઇપી રોડ અને લક્ષ્મીપુરા વિસ્તારમાં વાલીઓનો ઠપકો સહન નહિં થતાં બે માસુમ વિદ્યાર્થીઓ ઘર છોડી ગયા હતા.બે મહિલા ડીસીપીએ તનતોડ મહેનત કરીને બંને વિદ્યાર્થીને હેમખેમ શોધી કાઢી વાલીઓને સોંપતા તેમના જીવમાં જીવ આવ્યો હતો.
ન્યુવીઆઇપી રોડ વિસ્તારમાં રહેતો ધોરણ-૯નો વિદ્યાર્થી સોશ્યલ મીડિયા પર ચેટિંગ કરતો હોવાથી તેના વાલીએ ફોન લઇ લીધો હતો અને ચેટ ડિલિટ કરી હતી.જેથી વિદ્યાર્થીએ ઇન્સ્ટાગ્રામ પર મારું આઇડી જોશો તો ઘર છોડી દઇશ,સ્યુસાઇડ કરી લઇશ તેવી ધમકી આપી હતી.આ વિદ્યાર્થી બીજા દિવસે મળ્યો હતો.પરંતુ ફરી ભાગી ગયો હતો.
ડીસીપી ઝોન-૪ પન્ના મોમાયાએ તેને શોધવા માટે ૯ ટીમો બનાવી હતી અને બીજા પણ અધિકારીઓની મદદ લીધી હતી.ટેકનિકલ સર્વે તેમજ વિદ્યાર્થી સાથે સંકળાયેલા લોકોની મદદ લઇ પોલીસે આજે તેને શોધી કાઢ્યો છે.દસ દિવસ સુધી તે ટ્રેનોમાં ભટકતો રહેતો હોવાની વિગતો બહાર આવી છે.
આવી જ રીતે લક્ષ્મીપુરા વિસ્તારનો ૧૨ વર્ષના વિદ્યાર્થીને તેના વાલીએ અભ્યાસ બાબતે ટોકતાં તે સાઇકલ લઇને ચોલ્યો ગયો હતો.ડીસીપી ઝોન-૧ જૂલી કોઠિયાએ જુદીજુદી આઠ ટીમો બનાવી હતી.ફૂડના ડિલિવરી બોય,રાતે લારી-ગલ્લા ચલાવતા શ્રમજીવીઓ અને રિક્ષાવાળાઓની મદદ લઇ પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતાં ૨૧ કલાક બાદ લાપત્તા વિદ્યાર્થી ગોરવા રોડના મોલ પાસેથી મળી આવ્યો હતો.આ વિદ્યાર્થી તેના વિસ્તારમાં ફરતો હતો અને રાતે ક્યાંય સૂઇ ગયો હતો.સવારે પાણી પીવા મોલમાં ગયો ્ત્યારે મળી આવ્યો હતો.