૧૮થી ૨૧ ટકા વ્યાજ વસુલતા ફાઇનાન્સર સામે પોલીસે ગુનો દાખલ કર્યો
પાસબુક, ચેકબુક અને એટીએમ કાર્ડ પણ લઇ લીધા હતા
વડોદરા,કોર્પોરેશનના મહિલા સફાઇ કામદાર પાસેથી ૧૮ થી ૨૧ ટકાના દરે વ્યાજ વસુલતા આરોપીએ અગાઉ થયેલી અરજીમાં સમાધાન કર્યા પછી ફરીથી રૃપિયાની વસુલાત માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. ફાઇનાન્સર સામે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડભોઇ રોડ વ્રજમંગલ સોસાયટીમાં રહેતા ગીતાબેન સોલંકીએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારી માતા રમીલાબેન, દીકરા ચિરાગ સાથે રહું છું. મારા પતિનું વર્ષ - ૨૦૦૫ માં અવસાન થયું હતું. મારા માતા કોર્પોેરેશનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા નિવૃત્ત થયા છે. મારી માતાને જ્યારે ઘર ખર્ચ માટે રૃપિયાની જરૃર પડે ત્યારે નાણાં ધિરધારનું લાયસન્સ ધરાવતા સુનિલ પ્રતાપભાઇ દેસાઇ (રહે. દર્શનમ ગ્રીન સોસાયટી, ડભોઇ વાઘોડિયા રીંગ રોડ) પાસે પૈસા લેતી હતી. મારી માતાએ વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૨ દરમિયાન રૃપિયા લીધા ત્યારે તેની સામે સિક્યુરિટી પેટે બેંકની ચેકબુક, પાસબુક, એટીએમ કાર્ડ આપ્યા હતા. મારી માતાના બેંક એકાઉન્ટમાં પગાર જમા થાય ત્યારે સુનિલ વ્યાજ સહિતના રૃપિયા ઉપાડી લેતો હતો. સુનિલ જ્યારે મારી માતાને રૃપિયા આપતો ત્યારે સ્લિપમાં લોનની વિગત તથા ટકાવારી પણ લખતા હતા. જેમાં વ્યાજનો દર ૧૮ થી ૨૧ ટકા લખ્યો છે.
સુનિલ દેસાઇ વિરૃદ્ધ વર્ષ - ૨૦૨૩ માં વાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. તે અરજીમાં સમાધાન થઇ ગયું હતું. સુનિલ દેસાઇએ ચેકબુક, એટીએમ કાર્ડ તથા પેન્શનની ચોપડી આપી દીધા હતા. પરંતુ, એક ચેક તેમની પાસે રાખી લીધો હતો. તે ચેકનો દુરૃપયોગ કરીને સુનિલે ૯.૯૫ લાખની રકમ ભરીને બાઉન્સ કરાવી મારી માતા વિરૃદ્ધ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. તેમજ મારા દીકરા ચિરાગ સોલંકીએ સુનિલ પાસેથી વ્યાજે રૃપિયા લીધા નહીં હોવાછતાંય તેની સામે ૨.૫૭ લાખ મેળવવા કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. અમે સુનિલભાઇને ફોન કરીને વાત કરતા તેમણે જાતિ અપમાનિત શબ્દો કહી ધમકી આપી હતી.