ગુજરાત પોલીસ જાસૂસીકાંડમાં સામેલ બૂટલેગરની વિગતો પોલીસે જાહેર ના કરી
જવાહર નગર પોલીસે ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવ્યા હતા : આરોપી અગાઉ પાંચ વખત પાસામાં જઇ આવ્યો છે
વડોદરા,ગુજરાત પોલીસ જાસૂસીકાંડમાં એક વર્ષ ઉપરાંતથી ફરાર વડોદરાના બૂટલેગર પરેશ ઉર્ફે ચકો વડોદરાના દારૃની ૧૫૮ પેટીના કેસમાં પણ વોન્ટેડ હોઇ જવાહર નગર પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. તેના રિમાન્ડ પૂરા થતા પરત ભરૃચ મોકલી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પરેશ ઉર્ફે ચકાની ધરપકડની કોઇ વિગત જવાહર નગર પોલીસે જાહેર કરી નહતી.
શહેર નજીકના સેવાસી ગામ તરફ જતી કેનાલ નજીક વિદેશી દારૃનું મોટેપાયે કટિંગ કરવામાં આવી રહ્યું હોવાની વિગતોને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ મહિના પહેલા દરોડો પાડયો હતો. પોલીસે સ્થળ પરથી ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસની તપાસ જવાહનર નગર પોલીસને સોંપવામાં આવી હતી. આ કેસમાં પરેશ ઉર્ફે ચકો પણ વોન્ટેડ હતો. જેથી, જવાહર નગર પોલીસે તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી ગત ૧૯ મી તારીખે વડોદરા લઇ આવી હતી. પોલીસે તપાસ માટે તેનો એક દિવસનો રિમાન્ડ પણ મેળવ્યો હતો. રિમાન્ડ પૂરો થયા પછી તેને ફરીથી ભરૃચને સોંપી દેવામાં આવ્યો હતો. પરેશ ઉર્ફે ચકા સામે ૨૭ ગુનાઓ નોંધાયા છે. તેની પાસા હેઠળ પાંચ વખત અટકાયત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પરેશ ઉર્ફે ચકા જેવા મોટા બૂટલેગર કે જેણે સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓના મોબાઇલ ફોન ભરૃચ પોલીસની મદદથી ઓબ્ઝર્વેશન કર્યા હતા. તે આરોપી પકડાઇને પરત જતો રહેવા છતાંય પોલીસે તેની કોઇ માહિતી જાહેર કરી નહતી. બાઇક ચોર, સાઇકલ ચોર પકડાય ત્યારે વિગતો જાહેર કરતી જવાહર નગર પોલીસે બૂટલેગરની વિગતો જાહેર કરી નહતી. તે પણ શંકા ઉપજાવે છે.