12તોલા દાગીના અને પોણા પાંચ લાખ કેશ ચોરી ભાગેલા ચોરનો દિલધડક પીછો,4 કિમી બાદ પકડાયો

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
12તોલા દાગીના અને પોણા પાંચ લાખ કેશ ચોરી ભાગેલા ચોરનો દિલધડક પીછો,4 કિમી  બાદ પકડાયો 1 - image

વડોદરાઃ કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસેના મકાનમાંથી ચોરી કરી ભાગેલા ચોરનો પોલીસે પીછો કરી સાંકરદા વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.પોલીસે તેની પાસે ૧૨ તોલા દાગીના અને રોકડા રૃ.પોણા પાંચ લાખ કબજે કર્યા હતા.

કારેલીબાગ અને આસપાસના વિસ્તારમાં ચોરીના  બનાવો રોકવા તેમજ ગુનેગારો પર નજર રાખવા માટે ડીસીપી પન્ના મોમાયાએ સૂચના આપી હોવાથી અધિકારીઓ અને પોલીસ ટીમ દ્વારા આખી રાત પેટ્રોલિંગ કરવામાં આવે છે.

આ દરમિયાન આજે પરોઢિયે પાંચેક વાગે કારેલીબાગ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મુક્તાનંદ સર્કલ પાસેથી સ્કૂટર પર થેલા લઇને જતા એક શખ્સ પર શંકા જતાં પોલીસે તેને અટકાવ્યો હતો.પરંતુ સ્કૂટર સવારે ફુલસ્પીડમાં સ્કૂટર દોડાવ્યું હતું.જેથી પોલીસે તેનો પીછો ચાલુ રાખ્યો હતો.

લગભગ ચાર કિમી પીછો કર્યા બાદ સાંકરદા પેટ્રોલપંપ પાસે સ્કૂટર છોડીને ભાગવા જતાં પકડાઇ ગયો હતો.તેનું નામ હસમુખ મકવાણા ઉર્ફે મનસુખ કલાણી (દાહોદ) હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે તેની પાસેના થેલા તપાસતાં અંદરથી ૧૨ તોલા જેટલા દાગીના અને રોકડા રૃ.૪.૭૫ લાખ મળ્યા હતા.રીઢા ચોર હસમુખે આ મત્તા આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસેના અબાવ્હાઇટ હાઉસના મકાનમાંથી ચોરી હોવાની વિગતો ખૂલતાં કારેલીબાગના પીઆઇ ડી વી બલદાનાએ મકાન માલિક ધર્મિન રજનીકાન્ત પટેલની ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.


Google NewsGoogle News