Get The App

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને કારમાંથી વિદેશી દારૃનો જથ્થો પકડયો

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને કારમાંથી વિદેશી દારૃનો જથ્થો પકડયો 1 - image


ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર

બે બુટલેગર પકડાયા : દારૃ બિયર મળી ૩.૭૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસે ફિલ્મી ઢબે દારૃ ભરેલી કારનો પીછો કરીને ગીયોડ પાસેથી ઝડપી લીધી હતી. કારમાંથી બે બુટલેગર ઝડપી લેવામાં આવ્યા હતા. વિદેશી દારૃ અને બીયરનો જથ્થો મળી કુલ ૩.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો રાજ્યમાં ઘુસાડવામાં આવી રહ્યો છે અને તે માટે ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઇવેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં પોલીસ દ્વારા પણ બાતમીદારોને સક્રિય કરીને પર પ્રાંતમાંથી વિદેશી દારૃ ભરીને આવતા વાહનોને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે દરમિયાનમાં ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી એક કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા ચંદ્રાલા ગામ પાસે બ્રિજ નજીક વોચ ગોઠવી દેવામાં આવી હતી અને બાતમીવાળી કાર આવતા તેને ઊભી રહેવા માટે ઈશારો કરવામાં આવ્યો હતો પરંતુ તેના ચાલકે કાર ચિલોડા બ્રિજ તરફ ભગાવી મૂકી હતી. જોકે પોલીસે આગળ નાકાબંધી ગોઠવાવીને દારૃ ભરેલી આ કારને ગીયોડ પાસે ઝડપી લીધી હતી. જેમાં સવાર શખ્સોની પૂછપરછ કરતા તે ખેડબ્રહ્માના રુદ્રમાલા ગામના સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા અને વિજયનગર ચંદવાસાના લલિત કમલેશ ડામોર હોવાનું બહાર આવ્યું હતું પોલીસે કારમાં તપાસ કરતા દારૃ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ૩.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.


Google NewsGoogle News