ફતેગંજ પોલીસ દેવદૂત બની,ટેરેસ પરથી કૂદવાની જતા યુવકને છેલ્લી ઘડીએ બચાવી લીધો
વડોદરાઃ ફતેગંજ વિસ્તારમાં આપઘાત કરવા માટે ત્રીજા માળે ચડી ગયેલા સગીર પોલીસની સમયસૂચકતાથી બચી જતાં પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો.
આજે બપોરે ૧૨.૧૪ વાગે પોલીસ કંટ્રોલરૃમને એક મેસેજ મળ્યો હતો કે,મારો પુત્ર મને હેરાન કરી રહ્યો છે તાત્કાલિક પોલીસને મોકલો.ફતેગંજ પીઆઇ એએમ ગઢવીએ આ મેસેજને પગલે તાત્કાલિક હેકો નિલેશભાઇ અને ટીમને મોકલી હતી.
પોલીસ સ્ટેશનની નજીકમાં જ ત્રણ માળના મકાનમાં આ બનાવ બન્યો હતો.પોલીસ પહોંચી ત્યારે સગીર પુત્રએ ત્રીજા માળનો દરવાજો તેમજ ટેરેસનો દરવાજો બંધ કરી દીધો હતો.જેથી પોલીસે દરવાજો તોડયો હતો.આ વખતે સગીર ટેરેસની પાળી પરથી કૂદી પડવા તૈયાર હતો.જેથી એક પોલીસ જવાને તેને વાતોમાં પરોવી બીજાએ છેલ્લી ઘડીએ પકડી લેતાં તે બચી ગયો હતો. માનસિક અસ્વસ્થ સગીરને થોડી ઇજા પહોંચી હોવાથી સારવાર માટે મોકલ્યો હતો.