છેતરપિંડીના ગુનામાં પૂર્વ રણજી ક્રિકેટર રિશિ અરોઠેના રિમાન્ડ પણ પોલીસે ના માંગ્યા

જે - તે સમયે પોલીસ ટ્રાન્સફર વોરંટ નહીં લેતા રિશિ જામીન પર છૂટીને ભાગી ગયો હતો

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
છેતરપિંડીના ગુનામાં પૂર્વ રણજી ક્રિકેટર  રિશિ અરોઠેના રિમાન્ડ પણ પોલીસે ના માંગ્યા 1 - image

વડોદરા,ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના પુત્ર રિશિ અરોઠેએ  બોલિંગના કોચિંગ માટે ૫.૨૭ લાખ પડાવી લીધા હતા. જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં  પકડાયેલા આરોપી રિશિ અરોઠેના પોલીસે રિમાન્ડ પણ માંગ્યા નથી અને તેને વલસાડ પોલીસને હવાલે કરી દીધો છે.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે રહેતા મહેન્દ્રકુમાર શનિલાલ બૂટ ચંપલનો વેપાર કરે છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું  કે, મારા દીકરા તુષારને બોલિંગનું કોચિંગ આપવાના બહાને  રિશિ અરોઠેએ ૫.૨૭ લાખ પડાવી લીધા હતા.   રિશિ સર પાસે રૃપિયા પરત માંગતા તેમણે બોલાચાલી ઝઘડો કરી મારવાની ધમકી આપી હતી.  આ અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસે રિશિ અરોઠેની ધરપકડ કરી હતી. તે સમયે રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તેને પકડવાનો બાકી હતો. તેમછતાંય  પોલીસે તેની ધરપકડ માટે ટ્રાન્સફર વોરંટ લઇને કોર્ટમાં જમા કરાવ્યું નહતું. જેથી, રિશિ અરોઠે જામીન  પર છૂટીને જતો રહ્યો  અને  રાવપુરા પોલીસ હાથ ઘસતી રહી ગઇ હતી. ત્યારબાદ એસ.ઓ.જી. પોલીસે આરોપી  રિશિ અરોઠેને ગોવામાંથી ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને રાવપુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. રાવપુરા પોલીસે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં રૃપિયા રિકવર કરવાના બાકી છે. ત્યારે પોલીસે કહે છે કે, તેના બેન્ક ટ્રાન્ઝેક્શનની વિગતો લીધી છે. બે વર્ષ જૂના બનાવમાં કઇ રીતે રિકવરી થાય ? એટલે રિમાન્ડની જરૃર નથી. રાવપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં તેને  પોલીસ પકડે નહીં તે માટે તે ભાગી ગયો હતો. ત્યારે તેને આર્થિક મદદ કોને કરી ? કોને આશ્રય આપ્યો ? વિગેરે તપાસના મુદ્દાઓ હોવાછતાંય પોલીસે તેના રિમાન્ડ માંગ્યા નહતા.   વલસાડ પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે છેતરપિંડીનો ગુનો દાખલ થયો હોવાથી વલસાડ પોલીસ તેને પકડવા માટે ગઇકાલે રાતે જ આવી હતી. આજે વહેલી સવારે તેને કબજો સંભાળીને વલસાડ પોલીસ લઇ ગઇ હતી.


Google NewsGoogle News