ગૃહિણીની સતર્કતાથી ઠગોનો દાવ નિષ્ફળઃ તમારી દીકરી ડ્રગ્સ લેતાં પકડાઇ છે..ફોન કટ કર્યા વગર 50000 મોકલી આપો
ગૃહિણી સહેજ પણ ગભરાઇ નહિં,તેની પુત્રી પરિણીત હતી અને સાસરીમાં સુરક્ષિત હતી
વડોદરાઃ ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા રૃપિયા ખંખેરવા માટે અનેક પ્રકારની તરકીબો અજમાવવામાં આવતી હોય છે.વડોદરાની એક ગૃહિણી સાથે આવી જ રીતે ઠગોએ રૃપિયા પડાવવાનો કારસો રચ્યો હતો.પરંતુ ગૃહિણીની સજાગતાને કારણે ઠગોના મનસૂબા પાર પડી શક્યા નહતા.
ગૃહિણી પર એક ઠગનો ફોન આવ્યો હતો અને તેણે પોલીસની ઓળખાણ આપી કહ્યું હતું કે,અલકાપુરીમાંથી છોકરા-છોકરીઓનું ગુ્રપ સિગારેટ અને ડ્રગ્સ લેતાં પકડાયું છે.હાલમાં અમે શહેરના અન્ય વિસ્તારમાં છીએ.તમારી છોકરી નિર્દોષ છે.છતાં જો તેને બહાર કાઢવી હોય તો ફોન કટ કરશો નહિં અને અમે આપીએ તે એકાઉન્ટમાં રૃ.૫૦ હજાર ટ્રાન્સફર કરી દો.
ઠગે એમ પણ કહ્યું હતું કે,ડીવાયએસપી સાહેબ થોડી જ વારમાં આવી રહ્યા છે.મીડિયાવાળા બહાર ઊભા છે.તમારી છોકરીને મીડિયા સામે રજૂ કરવામાં આવશે.ગૃહિણીએ કહ્યું હતું કે,હંુ હાલમાં બહાર છું.મારી પાસે આટલા રૃપિયા નથી.મારા પતિ સાથે વાત કરીને કઉં છું.પરંતુ ઠગે કોઇ પણ રીતે ફોન કટ કરવાનો નથી તેમ કહી ફરી મીડિયાવાળાના નામે ધમકી આપી હતી.
આમ છતાં ગૃહિણીએ ફોન કટ કરી તેના પતિને જાણ કરતાં તેઓ ઓફિસેથી ઘેર આવી ગયા હતા.તેમની દીકરી પરિણીત હતી.જેથી તેને ફોન કરીને પૂછતાં દીકરીએ પોતે સાસરીમાં બેઠી છે અને ડ્રગ્સ જેવી વાત સાવ ખોટી છે તેમ કહ્યું હતું.આમ,ઠગોની વાતોમાં નહિં આવીને ગૃહિણીએ ફોન કટ કરવાની હિંમત કરી પતિને જાણ કરતાં ઠગોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.આ અંગે વડોદરા અને ગાંધીનગર સાયબર સેલને મેલ કરી જાણ કરવામાં આવી છે અને ઠગના મોબાઇલ નંબર પણ આપવામાં આવ્યા છે.
૨ કોલમ....બોક્સ
ઠગોએ એક યુવતીને તૈયાર રાખી હતી
ઠગ ટોળકીમાં સામેલ યુવતીએ ગૃહિણીને કહ્યું,આન્ટી,અમારી ભૂલ થઇ ગઇ છે,તમારી દીકરી મારી સાથે છે
ઠગોએ ગૃહિણીને ફસાવવા માટે તખ્તો ગોઠવી રાખ્યો હતો અને તેના ભાગરૃપે એક યુવતીને બહેનપણી તરીકે વાત પણ કરાવી હતી.
તમારી દીકરી ડ્રગ્સ લેતા પકડાઇ છે તેમ કહી પોલીસ તરીકે રોફ ઝાડનાર ઠગની વાતોમાં આવ્યા વગર ગૃહિણીએ દલીલ કરી હતી.જેથી ઠગે અગાઉથી તખ્તો ગોઠવ્યો હોય તે રીતે એક યુવતીને ગૃહિણી સાથે વાત કરાવી હતી.આ યુવતીએ રડવાનો ઢોંગ કરી કહ્યું હતું કે,આન્ટી,અમારી ભૂલ થઇ ગઇ છે,તમારી દીકરી મારી સાથે છે.
જો કે,ગૃહિણીની દીકરી પરિણીત હતી અને તે આવી બાબતોથી ખૂબ દૂર રહેતી હતી.જેથી ગૃહિણીએ ગભરાયા વગર ઠગનો ફોન કટ કરી દીધો હતો અને પતિને જાણ કરી હતી.પતિએ પુત્રીને ફોનકરી પૂછતાં તેણે આ બાબત ખોટી છે અને હું સાસરીમાં સુરક્ષિત છું તેમ કહ્યું હતું.જેથી દંપતીને હાશ થઇ હતી.
ત્રણ મહિના પહેલાં આવી જ રીતે સગીરને છેડતીના કેસમાં ફસાવવાના નામે ઠગોએ 1 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા
ફોન કટ કરશો નહિ,છોકરી ફરિયાદ ખેંચવા તૈયાર નથી,સાહેબોને પણ સાચવવા પડશે તેમ કહી ઠગી લીધા હતા
વડોદરામાં ત્રણ મહિના પહેલાં પણ એક સગીરના વાલીને તમારા દીકરા સામે છેડતીનો કેસ કરવામાં આવી રહ્યો છે તેમ કહી રૃ.૧ લાખ ઠગી લેવાનો બનાવ બન્યો હતો.
વડોદરાના એક વેપારીની પત્ની પર ઠગનો ફોન આવ્યો હતો અને તમારો દીકરો શહેર પોલીસ સ્ટેશનમાં છેડતીના કેસમાં લવાયો છે..છોકરી ફરિયાદ ખેંચવા તૈયાર નથી.જો તમારા દીકરાને બચાવવો હોય તો સાહેબોને પણ સાચવવા પડશે.ફોન કટ કર્યા વગર અમે કહીએ તે રીતે રૃપિયા ટ્રાન્સફર કરી આપો.
આવી વાતચીત દરમિયાન બેકગ્રાઉન્ડમાં એક સગીરનો મમ્મી બચાવી લે..આ લોકો મને પુરી દેશે..તેવો અવાજ પણ આવતો હતો.જેથી ગભરાયેલા વાલીએ ઠગોએ કહ્યું તે રીતે એકાઉન્ટ નંબર પર રૃપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા.