સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાંથી રૃા.૨૬.૨૨ લાખની ચાંદીની ચોરીનો શખ્સ આગ્રાથી ઝડપાયો
રેલવે પોલીસે મોહિતસિંહ પાસેથી ચાંદીનો મુદ્દામાલ કબજે કર્યો ઃ અન્ય ચાર ચોરો હજી પણ ફરાર
વડોદરા, તા.21 સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં મુંબઇથી રાજકોટ જતાં આંગડિયા પેઢીના કર્મચારીની સીટ નીચે મૂકેલી રૃા.૨૬.૨૨ લાખ કિંમતની ૩૭.૪૫૭ કિલોગ્રામ ચાંદી ભરેલી બેગની ચોરીના કેસમાં રેલવે એલસીબીએ આગ્રાથી એક શખ્સની ધરપકડ કરી ચોરીમાં ગયેલો મુદ્દામાલ પણ કબજે કરી લીધો હતો જ્યારે ફરાર અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મુંબઇની સુર્યા આંગડિયા પેઢીનો કર્મચારી રામચરણ ઉમેદસીંગ તોમર તા.૧૪ની રાત્રે ઓફિસ ખાતેથી કાળા રંગની તથા બીજી લીલા રંગની સફેદ લાઇનિંગવાળી પીઠુંબેગ જેમાં ચાંદી હતી તે લઇને મુંબઇથી રાજકોટ જવા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં રવાના થયો હતો. વડોદરા રેલવે સ્ટેશન પર મોડી રાત્રે ટ્રેન આવ્યા બાદ ઉપડી તે સમયે કોઇ ગઠિયો ચાંદી મૂકેલી બેગ ઉઠાવી ગયો હતો. આ અંગે રેલવે પોલીસમાં ફરિયાદ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ ચોરીનો ભેદ ઉકેલવા માટે રેલવે એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી અમદાવાદ રેલવે સ્ટેશન સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને ટ્રેનમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓ તેમજ રેલવે સ્ટાફના માણસોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ ચોરીનો ગુનો કરીને ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે મુદ્દામાલ સાથે ભાગી ગયો છે. આ બાતમીના આધારે એક ટીમ બનાવીને આગ્રા ખાતે રવાના કરવામાં આવી હતી.
રેલવે પોલીસે વોચ ગોઠવી આગ્રા ખાતેથી મોહિતસિંહ બ્રજેશસિંહ ભદોરીયા (રહે.ચન્દ્રપુર સૈની, તા.બાહ, જિલ્લો આગ્રા)ને ઝડપી પાડયો હતો તેની પાસેથી ચોરીમાં ગયેલ રૃા.૨૬.૨૨ લાખનો ચાંદીનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો. આ ચોરીમાં ફરાર અન્ય ચાર શખ્સોની પોલીસે વધુ શોધખોળ હાથ ધરી છે.