હયાતી નહીં કરાવનાર પેન્શનરોનું પેન્શન ઓગસ્ટથી સ્થગિત થઇ જશે
નિવૃત્તોએ બેંકમાં જઇને ખરાઇ કરાવવી પડશે
નાણાવિભાગના ઠરાવ પ્રમાણે જુલાઇ માસ સુધીમાં પેન્શનરોએ હયાતીની ખરાઇ કરાવવી ફરજિયાત
પેન્શન ચુકવણા કચેરી ગાંધીનગર ખાતેથી આઈઆરએલએ સ્કીમ હેઠળ પેન્શન, કુટુંબ પેન્શન મેળવતા તમામ પેન્શનરોએ નાણા વિભાગના તા. ૦૭ સપ્ટેમ્બર,૨૦૧૨ના ઠરાવ મુજબ વાષક હયાતીની ખરાઈ મેથી જુલાઈ માસ દરમિયાન તેઓ જે બેંકમાં પેન્શન મેળવતા હોય ત્યાં જઈ કરાવવાની હોય છે.જેના પગલે શ્રેયાન તિજોરી અધિકારીએ અનુરોધ કર્યો છે કે, પેન્શનરોએ પોતાની હયાતીની ખરાઇ પોતાનું પેન્શન જે બેંકમાં થાય છે ત્યાં કરાવી લેવી એટલુ જ નહીં, તેમણે વધુમાં જણાવ્યુ છે કે, નિયત સમયગાળા દરમિયાન કોઈપણ કારણોસર હયાતીની ખરાઈ કરાવવામાં ચૂકી ગયેલા પેન્શનરોનું પેન્શન ચૂકવણું ઓગસ્ટ માસથી સ્થગિત કરવાનું ઠરાવવામાં આવ્યું છે. જેથી હયાતી નહીં કરાવનાર પેન્શનરોનું પેન્શન ઓગસ્ટ માસથી સ્થગિત કરી દેવામાં આવશે. તો નાણાવિભાગના ઠરાવને ધ્યાને લઈ મેથી જુલાઈ માસ દરમિયાન સંબંધિત બેંકમાં રૃબરૃ જઈ તમામ પેન્શનરોએ વાષક હયાતીની ખરાઈ સમયસર કરાવી લેવા શ્રેયાન તિજોરી અધિકારી (પેન્શન), પેન્શન ચુકવણી કચેરી ગાંધીનગરે સુચન કર્યું છે.