22 લાખના MD ડ્રગ્સ સાથે પકડાયેલા પેડલરે 5 દિવસ પહેલાં જ ભાડાની કારમાં મુંબઇની ખેપ મારી હતી
મીરાંરોડના સપ્લાયર રમેશે વચેટિયા શાનુ મારફતે ડ્રગ્સની ડિલિવરી આપી હતી
વડોદરાઃ ભૂતડીઝાંપા બસસ્ટેન્ડ સામેના વિસ્તારમાં રૃ.૨૨ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા પેડલર ગુલામહૈદરે પાંચ દિવસ પહેલાં જ મુંબઇ જઇ ડ્રગ્સની ડિલિવરી લીધી હોવાની વિગતો ખૂલી છે.
હાથીખાના ખત્રીવાડના નાકે અત્તા એ નસીર બિલ્ડિંગના ત્રીજા માળે રહેતા ગુલામ હૈદર રફીકએહમદ શેખ ડ્રગ્સનો ધંધો કરતો હોવાની માહિતી એસઓજીના એએસઆઇ લક્ષ્મીકાન્તને મળતાં પીઆઇ વીએસ પટેલ અને ટીમે દરોડો પાડી રૃ.૨૨ લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ગુલામ હૈદરને ઝડપી પાડયો હતો.
પોલીસની ટીમ આરોપીને મંગળવાર સુધીના રિમાન્ડ પર લઇ પૂછપરછ કરી રહી છે.જે દરમિયાન ગુલામ હૈદરે પાંચ દિવસ પહેલાં ઝૂમકાર મારફતે ભાડાની કાર મંગાવી મુંબઇ ખેપ મારી હોવાની માહિતી ખૂલીછે. ડ્રગ્સ લઇને બીજા દિવસે તે પાછો આવી ગયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુંબઇના મીરાં રોડ વિસ્તારમાં રહેતા રમેશ નામના સપ્લાયર પાસેથી શાનુ નામનો વચેટિયો ડ્રગ્સની ડિલિવરી લાવ્યો હતો અને આ ડ્રગ્સ તેેણે ગુલામ હૈદરને આપ્યું હતું.જેથી પોલીસની ટીમ બંને ડ્રગ્સ સપ્લાયરને શોધવા માટે મુંબઇ પોલીસની મદદ લેનાર છે.
ડ્રગ્સ સાથે પકડાયેલા ગુલામ હૈદર સામે વર્ષ-૨૦૨૦માં મોબાઇલ લોન પર લઇ છેતરપિંડી કરવાનો કેસ થયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, કારેલીબાગની જાસ્મીન મોબાઇલમાંથી લોન પર મોબાઇલ લેનારા ૧૭ જેટલા લોન ધારકો સામે ફરિયાદ નોંધાઇ હતી.જેમાં કેટલાકે લોનના હપ્તા ભર્યા નહતા તો કેટલાકે લોન માટે બોગસ દસ્તાવેજો રજૂ કર્યા હોવાનું જણાવાયું હતું.
આ ફરિયાદમાં ગુલામ હૈદર શેખનું પણ નામ સામેલ હતું.તેણે મોબાઇલના ત્રણ હપ્તા ભર્યા બાદ બીજા હપ્તા નહિં ભરતાં ફરિયાદ થઇ હતી.તેના ચૂંટણી કાર્ડમાં અલિફનગર, ફતેપુરાનું સરનામું હતું.પરંતુ ત્યાં તે રહેતો નહિં હોવાનું જણાઇ આવ્યું હતું.