વડોદરાની ખુશી ઇન્વેસ્ટમેન્ટના સંચાલકનું ફુલેકુંઃ US અને કેનેડાના વિદ્યાર્થીઓની લાખોની ફી ચાંઉ કરી
વડોદરાઃ ગેંડા સર્કલ પાસે સારાભાઇ કેમ્પસમાં ખુશી ઇન્વેસ્ટમેન્ટ નામની ઓફિસ શરૃ કરનાર વિપુલ ચૌહાણે યુએસ અને કેનેડાના વિદ્યાર્થીઓની ફી ડોલરમાં ટ્રાન્સફર કરીને ભરપાઇ કરવાના નામે અનેક વિદ્યાર્થીઓની લાખો રૃપિયાની ફી ની રકમ વગે કરી દઇ ઓફિસને તાળાં મારી દેતાં તેની સામે અલગ અલગ બે ફરિયાદ નોંધાઇ છે.
સમા-સાવલી રોડ પર ભાવનાપાર્કમાં રહેતા હિતુલભાઇ શાહે પોલીસને કહ્યું છે કે, મારો પુત્રને અમેરિકામાં ઓહાયોની કોલેજમાં એડમિશન મળ્યું હોવાથી તેની ફી ભરવા માટે મૈત્રી ગુપ્તા નામની વિઝા કન્સલટન્ટના માધ્યમથી નટુભાઇ સર્કલ પાસે ક્વીક ફોરેક્સમાં નોકરી કરતા વિપુલ ચૌહાણનો સંપર્ક થયો હતો.
વિપુલ ચૌહાણે ખુશી ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન નામની કંપનીના એકાઉન્ટમાં રૃ.૧૭.૨૧ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા અને તેની રસીદ પણ આપી હતી.પરંતુ આ રકમ કોલેજમાં જમા થઇ નહતી.જેથી તપાસ કરતાં વિપુલે આપેલી બેન્ક તેમજ કોલેજ સહિતની રિસિપ્ટ બોગસ હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી અકોટા પોલીસે ગુનો નોંધ્યો છે.
આવી જ રીતે છાણી રોડ પર પાવન પાર્કમાં રહેતા એડવિન ઝેવીયરે તેની પુત્રી માટે કેનેડાની કોલેજમાં ફી ભરવા માટે વિપુલ ચૌહાણનો સંપર્ક કરી રૃ.૩.૧૨ લાખ ચૂકવ્યા હતા.પરંતુ આ રકમ પણ કોલેજમાં ભરાઇ નહતી.વિપુલે વાયદા કર્યા હતા અને ત્યારબાદ તે સારાભાઇ કેમ્પસમાં આવેલી ઓફિસને તાળાં મારી ફરાર થઇ ગયો હતો.જેથી ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો છે.
વિપુલની રિસિપ્ટો લઇ યુએસ પહોંચેલા વિદ્યાર્થીને કહ્યું,આ રિસિપ્ટો બોગસ છે
ઠગ વિપુલ ચૌહાણે યુએસની ઓહાયો ખાતેની કોલેજમાં એડમિશન લેનાર વિદ્યાર્થીની ફી ની રકમ તેને મળી છે તેવી ખુશી ઇન્વેસ્ટમેન્ટની રિસિપ્ટ આપી હતી.ત્યાર બાદ તેણે બેન્કની રિસિપ્ટ અને ઓહાયો કોલેજની રિસિપ્ટ પણ આપી હતી.જે ત્રણ રિસિપ્ટ લઇને વડોદરાનો વિદ્યાર્થી ઓહાયો પહોંચ્યો હતો.કોલેજ શરૃ થવાની હતી તે પહેલાં તેણે રિસિપ્ટો રજૂ કરતાં કોલેજે આવી કોઇ ફી ની રકમ તેમને મળી નથી અને રિસિપ્ટ બોગસ છે તેવો જવાબ આપ્યો હતો.આવી જ રીતે કેનેડાની વિદ્યાર્થિની પણ બેન્કમાં તપાસ કરવા ગઇ તો આવી કોઇ રકમ તેમને મળી નહિ હોવાનો જવાબ મળ્યો હતો.
ઠગ વિપુલે વાલીને કહ્યું,ટ્રાન્ઝેક્શન વધી ગયા છે એટલે એકાઉન્ટ બદલ્યું છે
ઓહાયોની કોલેજમાં એડમિશન લેનાર વિદ્યાર્થીના પિતા હિતુલભાઇ શાહે જ્યારે પહેલીવાર વિપુલ ચૌહાણને એડમિશન કન્ફર્મ કરવા માટે રૃ.૧.૭૫ લાખ આપ્યા ત્યારે આ રકમ ક્વીક ફોરેક્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ હતી.જે રકમ યુનિ.ને મોકલી આપતાં એડમિશન કન્ફર્મ થયું હતું.ત્યારબાદ કોલેજે ફી માંગતા હિતુલભાઇએ રૃ.૧૭.૨૧ લાખ ટ્રાન્સફર કરવા માટે વિપુલ ચૌહાણને વાત કરી હતી.વિપુલે આ રકમ ખુશી ઇન્વેસ્ટમેન્ટના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા કહેતાં વાલીએ સવાલ પણ કર્યો હતો.વિપુલે ફોરેક્સના ખાતામાં ટ્રાન્ઝેક્શન વધી ગયું હોવાથી એકાઉન્ટ બદલ્યું છે તેવું બહાનું બતાવી રૃપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.