પૂરઝડપે દોડતો છકડો પલટી જતા જ્વેલરી શોપના માલિકનું મોત
શહેરમાં આવવાના તમામ રસ્તાઓ પર છકડાઓનો જમાવડો હોય છે
પોલીસની ઘોર બેદરકારીના કારણે છકડા ચાલકો બેફામ
વડોદરા,શહેરમાં ટ્રાફિક પોલીસની નિષ્કાળજીથી ગેરકાયદે દોડતા છકડામાં બેસનાર સોનીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છકડા પર પ્રતિબંધ હોવાછતાંય શહેરમાં ખુલ્લેઆમ છકડા ફરી રહ્યા છે.
અટલાદરા અક્ષર ચોક મથુરા નગરી સોસાયટીમાં રહેતા અજીતભાઇ મનુભાઇ પટેલ ( ઉ.વ.૬૫) ની આણંદ જિલ્લાના આસોદર ચોકડી પાસે પૂજા જ્વેલર્સ નામની દુકાન છે. તેઓ રોજ ઘરેથી શટલ વાહનમાં દુકાને આવ - જા કરે છે. તેમનો દીકરો પિનલ લંડન છે. જ્યારે પૌત્ર તેમની સાથે રહે છે.ગઇકાલે સવારે આઠ વાગ્યે તેઓ ઘરેથી દુકાન જવા નીકળ્યા હતા. તેઓ હરિનગર બ્રિજથી છકડામાં વચ્ચેની સીટ પર બેસીને ઉમેટા જવા નીકળ્યા હતા. છકડા ચાલકે પૂર ઝડપે છકડો ચલાવતા સિંઘરોટ મીની નદી પહેલા રોડની સાઇડ પર છકડો પલટી ગયો હતો. જેમાં અજીતભાઇને માથા, પગ, જાંઘ તથા પેટના ભાગે ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. જે અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારમાં છકડા પર પ્રતિબંધ છે. તેમછતાંય શહેરમાં આવવાના તમામ રસ્તાઓ પર છકડાઓ દોડી રહ્યા છે. પોલીસની મીઠી નજર હેઠળ દોડતા છકડા ચાલકો રોડ વચ્ચે જ પોતાના વાહનો ઉભા કરી દેતા હોય છે. આ સ્થળોએ પોલીસનો પોઇન્ટ હોવાછતાંય તેમની સામે કોઇ કાર્યવાહી થતી નથી. જ્યારે આ સ્થળેથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો પોલીસનો સોફ્ટ ટાર્ગેટ બનતા હોય છે. જો આવા છકડાઓ અંગે પોલીસે કડક કાર્યવાહી કરી બંધ કરાવ્યા હોત તો અકસ્માત થાત નહીં અને સિનિયર સિટિઝનનો જીવ બચી જાત.