છીપવાડમાં આવેલી મિલકત તબદિલી અંગે અશાંતધારાનો બનાવટી લેટર બનાવવાના કેસમાં હજી માલિક ફરાર
મોબાઇલ શોપ ચલાવતો ઇલિયાસ પત્ની સાથે હજ પઢવા જતો હતો ત્યારે જ ઝડપાયો
વડોદરાસંવેદનશીલ વિસ્તારમાં આવેલી મિલકત અંગે અશાંતધારાની પરમિશનનો ખોટો લેટર તૈયાર કરવામાં આવ્યો હતો. જે ગુનામાં સામેલ આરોપી વિદેશ જવા માટે મુંબઇ એરપોર્ટ જતા ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે તેને ઝડપી પાડયો હતો. જ્યારે આ કેસમાં સામેલ મિલકતના મહિલા માલિક હજી પકડાયા નથી.
મોટી છીપવાડના નાગરિકોએ જાન્યુઆરી - ૨૦૨૪ માં અરજી કરી આક્ષેપ કર્યો હતો કે, છીપવાડની એક મિલકતના દસ્તાવેજમાં અશાંત ધારાની મંજૂરી ખોટી રીતે મેળવી છે. તેથી તેની નોંધ નહી ં પાડવા રજૂઆત કરી હતી. જેની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પોલીસ દ્વારા આવો કોઇ અભિપ્રાય મોકલવામાં આવ્યો નથી. જેથી, લતાબેન તથા ઇલિયાસ યુસુફભાઇ શેખે નિલેશ પટેલ મારફતે નાયબ કલેક્ટર વડોદરા શહેરના નામનો અશાંત ધારાનો બનાવટી પત્ર તૈયાર કરી દસ્તાવેજ નોંધણી કરવા માટે રજૂ કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું.
આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વિદેશ ભાગી ના જાય તે માટે પોલીસે દેશના તમામ એરપોર્ટ પર જાણ કરવામાં આવી હતી. દરમિયાન ઇલિયાસ યુસુફભાઇ શેખ ( રહે. ખત્રી પોળ, મોટી છીપવાડ) તેની પત્ની સાથે હજ પઢવા માટે જતો હતો. તે દરમિયાન મુંબઇ એરપોર્ટ પર તે ઝડપાઇ ગયો હતો. ઇલિયાસ ભદ્ર કચેરી વિસ્તારમાં મોબાઇલની દુકાન ચલાવે છે. રાવપુરા પોલીસે તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન વધુ બે આરોપીઓના નામ ખૂલતા પોલીસે તેઓની પણ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, જુનેદ યાકુબભાઇ પટેલ ( રહે. તાંદલજા) તથા શકીલ અબ્બાસભાઇ પટેલ ( રહે. વાસણા રોડ) કુબેર ભુવનમાં દસ્તાવેજનું કામ કરે છે.પોલીસે ત્રણેયના રિમાન્ડ લીધા હતા. જોકે, આ કેસમાં સામેલ મિલકતના મહિલા માલિક હજી પકડાયા નથી.