બ્રેનડેડ થયેલા ૨૫ વર્ષના યુવાનના અંગોનું દાન કરાયું
કંપની સેક્રેટરીની પરીક્ષા આપ્યા બાદ ઇન્ટર્નશિપ કરતો હતો
વડોદરા,જૈન પરિવારના ૨૫ વર્ષના યુવાનને બ્રેન સ્ટ્રોક આવતા બ્રેન ડેડ થયો હતો. તેના અંગોના દાન કરવામાં આવતા ચાર લોકોના જીવનમાં નવો ઉજાસ ફેલાશે.
કારેલીબાગ બાલાજી દર્શનમાં રહેતો ૨૫ વર્ષનો આદિત્ય સંજીવભાઇ જૈન કંપની સેક્રેટરીના છેલ્લા વર્ષની પરીક્ષા આપી હતી. ત્યારબાદ તે ફતેગંજની એક ઓફિસમાં ઇન્ટર્નશિપ કરતો હતો. ગત તા.૨૩ મી એ બપોરે તેને અચાનક બ્રેન સ્ટ્રોક આવતા ઓલ્ડ પાદરા રોડની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટર્સના પ્રયાસો છતાંય તેનું બ્રેન ફરીથી કાર્યરત નહીં થતા તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. આદિત્ય થકી અન્ય જરૃરિયાતમંદને નવજીવન મળી રહે તે માટે તેનો પરિવાર અંગદાન માટે તૈયાર થયો હતો. રાતોરાત એક્સપર્ટની બે ટીમે આદિત્યના લિવર અને બે કિડની ગ્રીન કોરિડોર કરીને સુરત અને અમદાવાદ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.