વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરાયું
બાંધકામથી માંડીને બિલ્ડિંગ યુઝ પરવાનગી આપવાની કામગીરી ઝોન કક્ષાએથી કરવા નિર્ણય
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવેથી બાંધકામ પરવાનગીથી માંડીને બિલ્ડિંગ યુઝ પરમિશન આપવાની કામગીરીનો નિર્ણય ઝોન કક્ષાએથી કરવાનું નક્કી કર્યું છે અને ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરીનું વિકેન્દ્રીકરણ કર્યું છે. આ સંદર્ભે મ્યુનિ.કમિશનરે એક પરિપત્ર જારી કર્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે બાંધકામ પરવાનગીમાં પ્લીન્થ ચેકિંગ, કમ્પલીશન સર્ટિફિકેટ તથા ઓક્યુપેશન સર્ટિફિકેટ વોર્ડ કક્ષાએથી અપાશે.તા.૧ જૂન પછી જેટલી વિકાસ પરવાનગી અપાઇ છે તેમાં પ્લીન્થ ચેકિંગ, કમ્પલીશન સર્ટિફિકેટ અને ઓક્યુપેશન સર્ટિફિકેટ અંગેની કામગીરી ઝોનલ ઓફિસ કરશે એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. આ માટે જે તે ઝોનના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર કક્ષાથી મંજૂરીની કાર્યવાહી કરાશે. જ્યારે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર દ્વારા અપાયેલી મંજુરીમાં જેતે કાર્યપાલક ઇજનેર કક્ષાએથી અને ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરે આપેલી મંજૂરી જેતે ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર કક્ષાએથી પ્લીન્થ ચેકિંગ, કમ્પલીશન સર્ટિફિકેટ અને ઓક્યુપેશન સર્ટિફિકેટ મંજૂર કરશે. જ્યારે બાંધકામ તપાસ કરનારે આપેલી મંજૂરી જેતે ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર કક્ષાએથી પ્લીન્થ ચેકિંગ, કમ્પલીશન સર્ટિફિકેટ અને ઓક્યુપેશન સર્ટિફિકેટ મંજૂર કરશે. જ્યારે બાંધકામ તપાસ કરનારે આપેલી મંજૂરી જેતે ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર કક્ષાએથી ઉક્ત ત્રણેય સર્ટિફિકેટ મંજૂર કરાશે.