વડોદરામાં ટ્રાફિક સમસ્યા વધતા શહેરમાં મુખ્ય માર્ગો પરના મોટા સર્કલ નાના કરવાની કામગીરી શરૂ
- છાણી બાદ વુડા સર્કલ કાપીને નાનું બનાવવાનું કાર્ય હાલ ચાલુ
- વુડા પછી હવે એરપોર્ટ સર્કલ અને તરસાલી સર્કલની કામગીરી થશે
- વુડા સર્કલ ચારે બાજુથી સરેરાશ ચાર મીટર કપાશે
વડોદરા,તા.8 જુલાઈ 2023,શનિવાર
વડોદરા શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની ગયો છે અને મુખ્ય રોડ પર ટ્રાફિકના મોટા સર્કલ નાના કરવાની માગણી થતા તેના અનુસંધાનમાં વડોદરા કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સર્કલ નાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ વડોદરાના પ્રવેશ દ્વાર સમા છાણી સ્થિત છાણી સર્કલ નાનું કરવામાં આવ્યું છે, અને હાલ વુડા સર્કલ કાપીને નાનું કરવાનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે. છાણી ખાતેનું સર્કલ 35 મીટરનું હતું, તે નાનું કરીને 31 મીટરનું કરાયું હતું. કારેલીબાગમાં રાત્રિ બજાર સામેનું વુડા સર્કલ ચારે બાજુથી ફરતા સરેરાશ ચાર મીટર નાનું કરવામાં આવી રહ્યું છે. જોકે આ કામગીરી દિવસે રોડ પર સખત ટ્રાફિક હોવાને લીધે રાત્રે જ કરવામાં આવે છે. જો વરસાદનું વિઘ્ન ન રહે તો 15 દિવસમાં સર્કલ નાનું કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે, તેમ સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષનું કહેવું છે.
અગાઉ કોર્પોરેશન ગેંડા સર્કલ તેમજ ચકલી સર્કલનો ઘેરાવો કાપીને નાનું કરી ચૂક્યું છે. વુડા સર્કલની આ કામગીરી પૂર્ણ થયા બાદ એરપોર્ટ સર્કલ અને તરસાલી સર્કલની કામગીરી કરવામાં આવશે. આ સર્કલ બબ્બે મીટર નાના થઈ જશે. જેના કારણે રોડ વધુ પહોળો થતાં ટ્રાફિકને રાહત રહેશે. વીઆઈપી રોડ પર રાત્રી બજાર સામે આવેલું વુડા સર્કલ મોટો ઘેરાવો ધરાવતું હોવાથી તેમજ અહીં ખૂબ જ વાહન વ્યવહાર રહેતો હોવાના કારણે ટ્રાફિક સમસ્યા બહુ રહે છે. અવારનવાર અહીં અકસ્માતના બનાવ બને છે, અને આ વિસ્તાર અકસ્માત ઝોન તરીકે બદનામ થયેલો છે.
કોર્પોરેશનના ચાલુ વર્ષના બજેટમાં શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા જે ઘોષણા કરવામાં આવી હતી, તેમાં વુડા જંકશન ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા નો પણ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોર્પોરેશન શહેરમાં જ્યાં પણ જરૂર જણાય છે ત્યાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મોટા સર્કલ નાના કરવા માંગે છે. અગાઉ શહેરમાં વસ્તી અને ટ્રાફિક બહુ ન હતો ત્યારે સર્કલો મોટા બનાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ વાહનોની સંખ્યા વધતા અને વિસ્તારનો વિકાસ થતાં ટ્રાફિકનું ભારણ વધવાને લીધે ટ્રાફિક સર્કલો નાના કરવા સંદર્ભે ટ્રાફિક વિભાગ, પોલીસ અને કોર્પોરેશન વચ્ચે મીટીંગ પણ થઈ હતી, અને સર્કલ નાના કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.