શહેર, ગ્રામ્ય SDM અને મામલતદાર ગ્રામ્યની ઓફિસ કોઠી કચેરી ખસેડાશે
કારેલીબાગ ખાતે ડીઆરડીએની ઓફિસ પણ શિફ્ટ કરાશે ઃ કૃષિપંચની ઓફિસ કોઠી કચેરીમાં જ રહેશે
વડોદરા, તા.3 શહેરના જૂનાપાદરારોડ ખાતે નવી કલેક્ટર કચેરીના ઉદ્ધાટન સાથે જ આવતીકાલથી નવી કલેક્ટર કચેરી તેના નવા સરનામાના સ્થળે કાર્યરત થઇ જશે. જ્યારે કોઠી કચેરી ખાતે ખાલી થનારી કચેરીઓમાં શહેર અને ગ્રામ્યની એસડીએમ કચેરી, ડીઆરડીએ તેમજ ગ્રામ્ય મામલતદારની કચેરીને કાર્યરત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ કલેક્ટર ઓફિસ તેમજ તેને સંલગ્ન કચેરીઓ જે કોઠી કચેરી ખાતે કાર્યરત હતી તે કચેરીઓનું રેકર્ડ નવી કચેરી ખાતે શિફ્ટ કરવાનું શરૃ કરી દેવામાં આવ્યું હતું. કાલથી જ કલેક્ટર, આરએસી સહિતનો સ્ટાફ હવે નવી કલેક્ટર કચેરી ખાતે બેસશે અને ત્યાંથી કામ કરી સૂચનાઓ આપશે. કોઠી કચેરી ખાતે હાલ કલેક્ટરની કેબિન તેમજ વીડિયો કોન્ફરન્સ રૃમ અને ધારાસભા હોલને કાર્યરત રાખવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વીસી રૃમનું સર્વર હજી શિફ્ટ કરાયું નથી અને તેની કામગીરી આ વિકએન્ડમાં થશે. આ ઉપરાંત કલેક્ટરની કોર્ટમાં જ ેઆરટીએસ કેસો ચાલે છે તે પણ હાલ ધારાસભા હોલમાં ચાલે તેવી શક્યતા છે જેથી આ ઓફિસો કાર્યરત રાખવામાં આવશે જ્યારે અન્ય કચેરીઓનો કેટલોક રેકર્ડ હજી પણ ઓફિસમાં જ છે જેને ખસેડયા બાદ નવી ઓફિસો આ સ્થળે કાર્યરત કરવામાં આવશે.
સૂત્રોએ કહ્યું હતું કે હવે જૂની કોઠી કચેરીમાં શહેર અને ગ્રામ્ય એસડીએમ બેસશે તેમજ તેમનો સ્ટાફ પણ અહીંથી જ કામ કરશે. આ ઉપરાંત ગ્રામ્ય મામલતદારની ઓફિસ પણ જૂની કોઠી કચેરી ખાતે શિફ્ટ કરાશે. હાલ ઉપરોક્ત ત્રણેય કચેરીઓ નર્મદાભવન ખાતેના છઠ્ઠા માળ પર કાર્યરત છે. આ ઉપરાંત હાલ કારેલીબાગ વિસ્તારમાં આવેલી ડિસ્ટ્રિક્ટ રુરલ ડેવલોપમેન્ટ એજન્સી (ડીઆરડીએ) પણ જૂની કોઠી કચેરી ખાતે ખસેડાશે.