કંપનીમાંથી ઓઈલ ચોરી કરીને ગેરકાયદે એમ.પી.માં વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું
ખંભાતના નગરા ગામની સીમમાં ફાર્મહાઉસમાં દરોડો
૯ લાખના ૩૦,૦૦૦ લિટર ઓઈલ સહિત રૂા.૨૧.૪૬ લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સો ઝડપાયા : આઠ વ્યક્તિ સામે ગુનો
આણંદ: પાંદડ ગામની સીમમાં આવેલી ખાનગી પેટ્રોકેમિકલ્સ કંપનીમાંથી ઓઈલ ચોરી કરી ખંભાતના નગરા ગામની સીમમાં આવેલા ફાર્મહાઉસમાં સંતાડી ઓઈલને ગેરકાયદે એમપી તરફ વેચી નાખવાનું કૌભાંડ ખંભાત ડીવાયએસપી સ્ક્વોડે ઝડપી પાડયું હતું. પોલીસે ચાર શખ્સોને રૂ. ૯ લાખના ઓઈલ, ટેન્કર સહિત કુલ રૂ. ૨૧.૪૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
નગરા ગામે કંસારી રોડ પર ઉંડી સીમ વિસ્તારમાં આવેલા આસીફ રૂપાલના ફાર્મહાઉસમાં કેટલાક શખ્સો શંકાસ્પદ કાળા પ્રવાહી ભરેલા ટેન્કર સાથે ઉભા હોવાની બાતમી ખંભાત ડીવાયએસપી સ્ક્વોડને મળી હતી.
જેના આધારે પોલીસે દરોડો કરી આસીફ ઉર્ફે રૂપાલ ઐયુબભાઈ વ્હોરા (મૂળ રહે.રૂપાલ, બાવળા, હાલ રહે.નગરા), પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ (રહે.જીણજ, ખંભાત), અશોક કાલુરામ ચૌહાણ (રહે.ઈન્દોર, મધ્યપ્રદેશ) અને ગણેશ હિરાલાલ રહાણે (રહે.ઈન્દોર, મધ્યપ્રદેશ)ને ઝડપી પાડયા હતા. જ્યારે એક શખ્સ નાસી છુટયો હતો.
પોલીસને સ્થળ પરથી ૧૫ હજાર લિટર ઓઈલ ભરેલું ટેન્કર અને નજીકમાં પડેલા ટાંકામાંથી પણ ૧૫ હજાર લિટર ઓઈલ મળી આવ્યું હતું. પોલીસે રૂ. ૯ લાખની કિંમતનું ઓઈલ, ટેન્કર, પાંચ મોબાઈલ અને રોકડ રૂ. ૧૬,૨૩૦ મળી કુલ રૂ. ૨૧,૪૬,૭૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે આસીફની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે દોઢેક માસ પૂર્વે સલીમભાઈ, હેપ્પીભાઈ અને સફીકભાઈને આસીફ વડોદરા ખાતે મળ્યો હતો. ત્યારે સલીમભાઈએ ખંભાત વિસ્તારમાં આવેલી ઓએનજીસી અને ખાનગી પેટ્રોકેમિકલ્સ કંપનીના ઓઈલના કૂવાઓમાંથી ગેરકાયદે રીતે ઓઈલ કાઢી આપે તેવા માણસો હોય તો જણાવવા કહ્યું હતું.
આ સમયે આસીફે નરેન્દ્રસિંહ ગોહિલ (રહે. જીણજ) અને જયપાલ નામના બે મિત્રો ગેરકાયદે ઓઈલ કાઢી આપવામાં મદદ કરી શકે તેમ હોવાનું જણાવતા સલીમભાઈએ તમે બન્ને સાથે વાત કરીને ઓઈલ ભેગુ કરવા માટેની જગ્યાની વ્યવસ્થા કરી આપો જે જગ્યા ઉપર હું લોખંડનો ટાંકો મુકી આપીશ તેમ જણાવ્યું હતું.
દરમિયાન આસીફે પૃથ્વીરાજસિંહ અને જયપાલને વાત કરતા બંને મિત્રો સંમત થયા હતા અને એક મહિના પહેલા સલીમભાઈએ નગરા ગામની સીમમાં આવેલા આસીફના ફાર્મહાઉસમાં લોખંડનો ટાંકો મુકાવી આપ્યો હતો. બાદમાં પાંદડ ગામની સીમમાં આવેલી સનફાર્મા કંપનીમાંથી રાત્રે હેલ્પર જયપાલ આસીફને ફોન કરી ઓઈલ લઈ જવાની વાત કરતા આસીફ તેમજ સલીમભાઈનો માણસ ઈર્શાદ ટેમ્પીમાં ખાલી બેરલ લઈ જતા હતા અને જયપાલ તેમને વેલના ઈમરજન્સી વાલમાંથી ઓઈલ કાઢી બેરલમાં ભરી આપતો હતો.
બાદમાં આ બંને શખ્શો ટેમ્પી લઈ પરત આસીફના ફાર્મ ખાતે આવી બેરલ ટાંકામાં ખાલી કરી દેતા હતા. ત્યારબાદ આ ઓઈલ ટેન્કરો મારફતે એમપી તરફ વેચી નાખતા હોવાનું કબુલતા પોલીસે તમામ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય શખ્સોને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.