BSNLને જાગીર સમજી ક્રેન વડે કેબલ ચોરવાનું કૌભાંડ પકડાયુંઃ1 કરોડની મત્તા સાથે આઠ પકડાયા

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
BSNLને જાગીર સમજી ક્રેન વડે કેબલ ચોરવાનું કૌભાંડ પકડાયુંઃ1 કરોડની મત્તા સાથે  આઠ પકડાયા 1 - image

વડોદરાઃ બીએસએનએલને પોતાની જાગીર સમજીને આડેધડ ખોદકામ કરીને કેબલોની ચોરી કરવાના ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થતાં ડીસીપી પન્ના મોમાયાએ આઠ આરોપીઓની  પૂછપરછ કરી દિલ્હીના બે માસ્ટરમાઇન્ડને શોધવા ટીમ બનાવી છે.

કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ થી જીવનભારતી ચાર રસ્તા વચ્ચે રસ્તા પર આડાશ મૂકીને ખોદકામ ચાલી રહ્યું હતું.જેથી કારેલીબાગ પોલીસને શંકા જતાં વુમન પીએસઆઇ એસ ડી ચૌધરી અને ટીમ પહોંચ્યા હતા.પોલીસને જોતાં જ નાસભાગ થતાં પોલીસ ચોંકી હતી.

સમગ્ર  બનાવની જાણ ડીસીપી પન્ના મોમાયાને થતાં તેમણે કારેલીબાગના પીઆઇ ચેતન જાદવને ટીમ સાથે મોકલી ખોદકામ કરાવી રહેલા નટુ દલપતભાઇ વણઝારા સહિત આઠ શ્રમજીવીઓને ઝડપી પાડયા હતા.પોલીસે કેબલ ખેંચવા માટે ઉપયોગમાં લેવાતી ક્રેન,ખાડો ખોદવા માટે જેસીબી અને ખેંચી કાઢેલા કેબલ ભરેલો ટેમ્પો કબજે કર્યા હતા.જ્યારે રૃ.૫૦ લાખની કિંમતના ૭૯૪૫ કિલો વજનના કેબલ મળી કુલ રૃ.એક કરોડ ઉપરાંતની મત્તા કબજે કરી હતી.

ડીસીપીએ કહ્યું હતું કે,પ્રાથમિક તપાસમાં મજૂરો પાસે કેબલો ચોરી કરાવવામાં આવી રહી હોવાની વિગતો ખૂલી છે.જેનો કોન્ટ્રાક્ટ આપનાર દિલ્હીના રામુ અને સંદીપ નામના બે માસ્ટર માઇન્ડને શોધવા માટે એક ટીમ બનાવવામાં આવી છે.

BSNLને જાગીર સમજી ક્રેન વડે કેબલ ચોરવાનું કૌભાંડ પકડાયુંઃ1 કરોડની મત્તા સાથે  આઠ પકડાયા 2 - imageકેબલ ચોરી કૌભાંડમાં પકડાયેલા આરોપીના નામ,૧૦ થી ૧૨ ફરાર

કેબલ ચોરી કૌભાંડમાં પોલીસને જોતાં નાસભાગ મચી હતી.પોલીસે આઠ મજૂરોને  ઝડપી પાડયા હતા.જ્યારે બાકીના ૧૦ થી ૧૨ ફરાર થઇ ગયા હતા.પકડાયેલાઓના નામો આ મુજબ છે.

(૧) પ્રિતેશ હિરાભાઇ વણઝારા,શાંતિ નગર,ડભોઇરોડ

(૨) રાજકુમાર ચંદદેવ રાય,ભાનુભાઇ કોલોની,રણોલી મૂળ બિહાર

(૩)નટુ દલપતભાઇ વણઝારા,લીમડી ફળિયા,સોમાતળાવ પાસે,ડભોઇરોડ.

(૪) શૈલેષ નારસિંગભાઇ હઠીલા (ખોડીયાર નગર,ન્યુ સમા રોડ. મૂળ પીપળા ગામ,દાહોદ

(૫)મહેશ વાલુભાઇ ગુજ્જર, વિરાટ એસ્ટેટ,વાઘોડિયા ચોકડી મૂળ રહે.બાંસવાડા, રાજસ્થાન

(૬)ઇલેશ કલસિંગ નિહરતા (વિરાટ એસ્ટેટ,વાઘોડિયા ચોકડી,મૂળ બાંસવાડા)

(૭)અનિલ ઠકરાભાઇ ગરાસિયા(ત્રણેય રહે.વિરાટ એસ્ટેટ,વાઘોડિયા ચોકડી પાસે, મૂળ રહે.રસોડી, કુશલગઢ,રાજસ્થાન

(૮)આશિષ પ્રેમપાલ સિંહ (રેલવે સ્ટેશન પાસે,મૂળ એટા,યુપી.

BSNLના અધિકારીઓને ગંધ પણ ના આવી

કેબલો કપાતાં લેન્ડલાઇન અને ઇન્ટરનેટ સેવાઓ ઠપ

કારેલીબાગ વિસ્તારમાં કોઇ પણ પ્રકારની મંજૂરી વગર પોતાની જાગીર હોય તે રીતે દિલ્હીના માસ્ટરમાઇન્ડના ઇશારે વડોદરામાં આડેધડ ખોદકામ કરીને કેબલ ચોરી કરવાના પકડાયેલા કૌભાંડમાં બીએસએનએલના અધિકારીઓની બેદકારી પણ ચર્ચાનો વિષય બની છે.

કોઇ પણ પ્રકારની મંજૂરી નહિં હોવા છતાં સરકારી કોન્ટ્રાક્ટરની જેમ મોટા મશીનો અને મજૂરો મારફતે રસ્તા ખોદાવીને કેબલો ચોરી કરાવાતાં અનેક વિસ્તારોમાં લેન્ડલાઇન ફોન અને ઇન્ટરનેટ સેવાઓ ઠપ થઇ ગયા હતા.

નોંધપાત્ર બાબત એ છે કે,કારેલીબાગ પોલીસને રસ્તા ખોદીને કેબલોની ચોરી કરવામાં આવતી હોવાની વાત ધ્યાને આવતાં ગંભીર નોંધ લઇ સપાટો બોલાવવામાં આવ્યો હતો.પરંતુ કારેલીબાગ વિસ્તારમાં જ  બીએસએનએલની ઓફિસ આવી હોવા છતાં કોઇ અધિકારીને શંકા ગઇ નહતી.

રિફ્લેક્ટર જાકિટ,લાઇટ થી ટ્રાફિક ડાઇવર્ટ અને બેરિકેડ મૂકી કામ કરાતું હતું

કોર્પોરેશને શું જોયું તે પણ સવાલ, કેબલો કાપવાના સાધનો પણ મળ્યા

વડોદરામાં અનેક સ્થળોએ ખોદકામ કરીને લાખોની કિંમતના કેબલો કાપવામાં આવ્યા હોવાની આશંકા સેવાઇ રહી છે.

દિલ્હીના ઠગો દ્વારા જે રીતે નટુ વણઝારા અને અન્ય લોકોને ખોદકામનું કામ સોંપાયું હતું તે જાતાં સામાન્ય માણસને લગીરેય શંકા જાય તેમ નહતું.

જેસીબી દ્વારા ખોદકામ કરી ક્રેન વડે કેબલ ખેંચવામાં આવે તે વખતે શ્રમજીવીઓને રિફ્લેક્ટર જાકિટ પહેરાવવામાં આવતા હતા.હાથમાં લાઇટ રાખીને ટ્રાફિક ડાઇવર્ટ કરાવવામાં આવતો હતો અને હેક્સો બ્લેડ વડે કાપેલા કેબલ મજૂરો મારફતે ટેમ્પામાં ચડાવવામાં આવતા હતા.આ વખતે કોર્પોરેશનના અધિકારીઓએ શું જોયું તે પણ સવાલ થઇ રહ્યો છે.


Google NewsGoogle News