નવાયાર્ડમાં કામધંધો નહિ કરતા નૂરહસને રીઝવાનના ગળા પર ચાકુ ફેરવવા જતાં વચ્ચે પડેલા કઝીનની હત્યા
વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમાં આજે બપોરે નહિ જેવા કારણસર એક યુવકની હત્યા થઇ હતી.નવાઇની વાત એ છે કે,જેની હત્યા થઇ તે યુવક સાવ નિર્દોષ હતો અને તે હુમલો કરવા આવેલા યુવકને રોકવા જતાં તેના પર જ હુમલો થયો હતો.
નવાયાર્ડ ચિસ્તીયાનગરમાં રહેતા અરબાઝ પઠાણ નામના યુવકે પોલીસને કહ્યું છે કે,હું મારા મામાની દુકાને એસીનું કામ કરૃં છું અને પાડોશમાં રહેતા મારા મામાનો છોકરા ઉબેશને પણ મારી સાથે લઇ જવું છું.જેથી ઉબેશનો ભાઇ નૂરહસન પઠાણ મારી ઇર્ષ્યા કરતો હતો અને તે કોઇ કામધંધો નહિ કરતો હોવાથી તેના ભાઇને પણ કામે નહિ લઇ જવા મને કહેતો હતો.
આજે બપોરે સાડા અગિયારેક વાગે નૂરહસન પઠાણ મારા ઘર પાસે આવ્યો હતો અને ઝઘડો કરી ચપ્પુ વિંઝતો હોવાથી અમે તેને સમજાવ્યો હતો.આ વખતે મારા મોટાભાઇ મોહસીને દંડો લેતાં નૂરહસન ત્યાંથી ચાલ્યો હતો.જેથી અમે પણ તેની પાછળ ગયા હતા.
અરબાઝે ફરિયાદમાં કહ્યું છે કે,નજીકમાં ઉનડદીપ કોમ્પ્લેક્સ પાસે મારા પિતાના મામાનો દીકરો જાકીરઅલી પઠાણ (આમીનપાર્ક, ગોરવા)અને મારા પિતાની માસીનો દીકરો હજરતઅલી અક્બરઅલી પઠાણ( રહેમતપાર્ક,કરોડિયારોડ) ઉભા હતા.જેથી નૂરહસને આજ તુમ સબકો જાનસે માર દુંગા..કહી ઝઘડો કરતાં તેમણે પણ નૂર હસનને સમજાવ્યો હતો.
નૂરહસને જાકીરઅલી ના ગળે ચાકુ ફેરવવાનો પ્રયાસ કરતાં તે પાછળ ખસી ગયો હતો અને બચી ગયો હતો.આ વખતે હજરતઅલી આગળ આવીને રોકવા જતાં નૂરહસને તેની છાતીના ડાબી બાજુએ ઘા ઝીંક્યો હતો.જેથી સારવાર દરમિયાન હજરતઅલીનું મોત નીપજ્યું હતું.ફતેગંજ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.