Get The App

NGT એ ત્રણ વર્ષ પહેલા વિશ્વામિત્રીનું મેપિંગ કરીને દબાણો દૂર કરવા હુકમ કર્યો હતો

મગર કરતા પણ જાડી ચામડીના શાસકોએ એનજીટીનો પણ ઓર્ડર નહી માનતા વડોદરા ફરી એક વખત પૂરમાં ડુબ્યું અને પ્રજાને ભોગવવું પડયું

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
NGT એ ત્રણ વર્ષ પહેલા વિશ્વામિત્રીનું મેપિંગ કરીને દબાણો દૂર કરવા હુકમ કર્યો હતો 1 - image


વડોદરા : શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પ્રત્યે તંત્ર દ્વારા દાયકાઓથી દુર્લક્ષ સેવવામાં આવતા નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાયુ છે. ગટર જેટલી સાંકડી બની ગયેલી નદીના અસ્તિત્વ અંગે  વડોદરાના પર્યાવરણ પ્રેમીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ કરી હતી જે સંબંધે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પાંચ જ્જની સ્પેશિયલ બેંચે વર્ષ ૨૦૨૧માં વિશ્વામિત્રી નદી અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો કે નદીનો વાસ્તવિક વિસ્તાર નક્કી કરવા માટે 'ડિમાર્કેશન' એટલે કે મેપિંગ કરવામાં આવે અને નદીના કાંઠા વિસ્તારમાં ઉભા થયેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવામાં આવે. મગરમચ્છ કરતા પણ જાડી ચામડીના શાસકોએ એનજીટીના આદેશની પણ અવગણના કરી અને ભોગવવાનો વારો આવ્યો સામાન્ય પ્રજાનો.

NGT એ ત્રણ વર્ષ પહેલા વિશ્વામિત્રીનું મેપિંગ કરીને દબાણો દૂર કરવા હુકમ કર્યો હતો 2 - image

પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ કહે છે કે વર્ષ ૨૦૧૬માં રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ પડતો મુકાયો પરંતુ નદીના અસ્તિત્વનું શું ? એટલે નદીને બચાવવા માટે અમે વર્ષ ૨૦૨૧માં ફરીથી એનજીટી સમક્ષ પહોંચ્યા હતા જે અંગે એનજીટીએ અમારી ફરિયાદને યોગ્ય માનીને વિશ્વામિત્રી નદીને પુનઃ જીવીત કરવા માટે નદીનો વાસ્તવિક વિસ્તાર નક્કી કરવાનો હૂકમ કર્યો હતો ઉપરાંત નદીના વિસ્તારમાં આવતા તમામ ગેરકાયદે બાંધકામ દૂર કરવાનું પણ કહ્યુંહતું. આ આદેશ બાદ કલેક્ટર કચેરીના ઇરિગેશન વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેેશનના અધિકારીઓ, ડીઆઇએલઆરની ટીમ અને જીપીસીબીની ટીમ મળીને ૩૦ વર્ષ જુના નક્શાઓ, સેટેલાઇટ મેપિંગના આધારે વિશ્વામિત્રીનો વાસ્તવિક વિસ્તાર નક્કી કરશે એવી એક વાત હતી. ચોમાસા દરમિયાન પૂર આવે ત્યારે નદીનો પટ કેટલો વિશાળ બને છે તેનો અભ્યાસ ઉપરાંત પૂરનુંું પાણી જે કાંસ, કોતર અને તળાવોમાં જાય તે તમામ જળાશયોનેે નદીનો જ ભાગ ગણીને વિશ્વામિત્રી નદીનુ વાસ્તવિક સ્વરૃપ નક્કી કરવાનું હતું. આ વાતને ૩ વર્ષ થયા પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે કાર્યવાહી કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો હતો. એક તરફ નદીનું અસ્તિત્વ જોખમમા હતુ અને ઉપરથી રિવરફ્રન્ટના નામે નદીના બન્ને તટ ઉપર કોંક્રિટના સ્ટ્રક્ચર ઉભા કરવાની કોર્પોરેશનની યોજના સામે ભારે વિરોધ થયો હતો. ત્યારે પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા આ સંબંધે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે સંદર્ભે ૨૬ મે ૨૦૧૬માં એનજીટીએ આદેશ આપીને વિશ્વામિત્રીના બન્ને તટ ઉપર કોઇ પણ પ્રકારનું બાંધકામ નહી કરવાનો હૂકમ કરતા કોર્પોરેશને વિશ્વામિત્રી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ પડતો મુકવો પડયો હતો.


Google NewsGoogle News