વહીવટી વોર્ડ નં.૧૬ની નવી ઓફિસ ૨ કરોડના ખર્ચે બનશે
કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડને તેની વોર્ડ ઓફિસ મળે તેવું આયોજન
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોમા તળાવથી ગણેશનગરની વચ્ચે લક્કડપીઠાની જગ્યામાં વહીવટી વોર્ડ નં.૧૬ની ઓફિસ રૃા.૨.૦૭ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે.
અગાઉ કોર્પોરેશને આ કામગીરી માટે ૧.૭૭ કરોડના ખર્ચનો અંદાજ તૈયાર કરી ટેન્ડર મગાવ્યા હતા, પરંતુ બીજી વાર પ્રયાસ કરતા ૩ ટેન્ડર આવ્યા હતા. જેમાં અંદાજથી ૧૭ ટકાથી વધુ ભાવનું સૌથી ઓછું ૨.૦૭ કરોડનું ટેન્ડર હોઈ, તે મંજૂરી માટે સમગ્ર સભામાં મૂકાયું છે. હાલ વોર્ડ નં.૧૬ની ઓફિસ ગાજરાવાડી જૂની વોર્ડ ઓફિસમાં બેસે છે.
કોર્પોરેશન દ્વારા તા.૧-૪-૨૨ થી ૧૯ ચૂંટણી વોર્ડ મુજબ ૧૯ વહીવટી વોર્ડ ઓફિસની રચના કરવામાં આવી હતી. જેમાં સાત ઓફિસનું બિલ્ડીંગ નવું બનાવવાનું થાય છે. જેમાંથી બે સ્થળે ઓફિસની કામગીરી ચાલુ છે, કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર ૧૯માં મકરપુરા વિસ્તારમાં ૨.૯ કરોડના ખર્ચે નવી વહીવટી વોર્ડ ઓફિસ બનાવવા માટેની દરખાસ્ત અગાઉ મંજૂર કરવામાં આવી છે. એ પછી સ્ટેન્ડિંગ સમિતિમાં કિશનવાડી વહીવટી વોર્ડ નંબર ૬ ની નવી ઓફીસ રૃપિયા ૨ કરોડના ખર્ચે બનાવવા માટેની દરખાસ્ત મંજૂર કરી હતી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વર્ષ ૨૦૨૨-૨૩ પેટે ૩.૯૭ કરોડના ખર્ચે છાણીમાં વહીવટી વોર્ડ નંબર ૧ની તથા વાસણા ટીપી ૧૭ માં વહીવટી વોર્ડ નંબર ૧૦ ની નવી કચેરી બનાવવાનું કામ ચાલુ છે. લક્કડપીઠાની જગ્યામાં જે ઓફિસ બનશે તેમાં ગ્રાઉન્ડ ફલોર પર રેવન્યૂ વિભાગ, વોર્ડ ઓફિસરની કચેરી, સેનેટની વિભાગ, સ્ટ્રીટલાઈટ સ્ટોર તથા પ્રથમ માળે ઈજનેરી તથા હેલ્થ વિભાગની કચેરી બનશે.