ફોઈને મૈયત અને ની:સંતાન બતાવી ભત્રીજાએ વડીલોપાર્જીત જમીન પચાવી પાડી
image : Freepik
વડોદરા,તા.09 માર્ચ 2024,શનિવાર
સાવલી તાલુકાના પીલોલ ગામમાં રહેતા શંકરભાઈ ડાયાભાઈ પરમારની પુત્રી લીલાના મીરસાપુર ખાતે કાંતિભાઈ મથુરભાઈ પરમાર સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તેઓ સાસરીમાં રહેવા જતા રહ્યા હતા. દરમ્યાન લીલાબેનના ભાઈ ડાયાભાઈના પુત્ર પ્રવિણએ પીલોલ ગામે આવેલી વડીલો પાર્જિત જમીન પચાવી પાડવા તેમના ફોઈ લીલાબેન મૈયત થઈ ગયા છે અને તેઓ ની:સંતાન હતા તેવું ખોટું પેઢીનામુ બનાવી પ્રવીણે પોતાનું તેમજ પત્ની અને સંતાનોના નામ જમીનોમાં વારસાઈ તરીકે ઉમેરી દીધા હતા. આ અંગે જાણ થતા લીલાબેનના વારસદારોએ સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો જે હાલ પેન્ડિંગ છે દરમ્યાન બોગસ પેઢીનામુ બનાવ્યું હોવાની જાણ થતા લીલાબેનના વારસદારોના કુલમુખત્યાર ભાવિશ પરમારે પ્રવીણ ડાયાભાઈ પરમાર તેમજ સાક્ષી તરીકે સહી કરનાર ભગવાન કેશવ પરમાર મૈયત અશોક રતિલાલ પરમાર અને પ્રવીણ પુનમ પરમાર સામે છેતરપિંડીનો ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.