પાડોશી ટીનેજરે મોજશોખ પૂરા કરવા માટે વૃદ્ધાનું ગળું કાપી દાગીના લૂંટી લીધા
લાઇટ કનેક્શન કાપી નાંખી લૂંટારાઓએ ગુનાને અંજામ આપ્યો
વડોદરા,તરસાલી વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન દંપતીને ટાર્ગેટ બનાવી મળસ્કે ચાર વાગ્યે લૂંટારાઓએ હુમલો કરી લૂંટ ચલાવી હતી. લૂંટ વીથ મર્ડરના બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ ગુનાને અંજામ આપનાર સિનિયર સિટિઝનનો પાડોશી યુવક જ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુશેન તરસાલી રોડ પર ભાઇલાલ પાર્ક સોસાયટીમાં ૭૩ વર્ષના હરવિંદરસિંહ કમ્બો અને તેમના પત્ની સુખજીતકૌર (ઉં.વ.૭૧) એકલા રહે છે. ગઇકાલે રાતે તેઓ જમી પરવારીને સૂઇ ગયા હતા. આરોપીએ પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૃપે દંપતીનાઘરની લાઇટો બંધ કરી દીધી હતી. મળસ્કે ચાર વાગ્યે લાઇટ જતા સુખજીતકૌર ઉઠયા હતા. તેઓ ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળ્યા હતા. માત્ર તેમના ઘરની જ લાઇટ બંધ હતી. સોસાયટીના અન્ય મકાનોમાં લાઇટો હતી. તેઓ કંઇ સમજે તે પહેલા જ ચોરીના ઇરાદે આવેલા આરોપીએ તેમના પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમણે ચોર, ચોરની બૂમો પાડતા તેમના પતિ પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. તેમણે જોયું તો તેમના પત્ની લોહીલુહાણ હાલતમાં બહાર પડયા હતા. તેમણે બૂમાબૂમ કરતા સોસાયટીના રહીશો પણ દોડી આવ્યા હતા. તેઓ ઇજાગ્રસ્ત સુખજીતકૌરને સારવાર માટે માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ,વધુ પડતું લોહી વહી જવાના કારણે તેઓનું મોત થયું હતું. તેમના મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી વૃદ્ધાના શરીર પરથી દાગીનાલૂંટી ગયા હતા. લૂંટ વીથ મર્ડરના બનાવના પગલે ક્રાઇમ બ્રાંચ સહિતની પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ઘટના સ્થળ પર મળી આવેલા લોહીના ડાઘા તેમજ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે ક્રાઇમ બ્રાંચે લૂંટ વીથ મર્ડરના ગુનાને અંજામ આપનાર પાડોશી યુવક વિશાલ દિપકભાઇ સરોજ, ઉ.વ.૧૯, ( રહે. ભાઇલાલ પાર્ક સોસાયટી, ઉનડદીપ કોમ્પલેક્સની સામે, તરસાલી)ને ઝડપી પાડી મકરપુરા પોલીસને હવાલે કર્યો છે.
પોલીસને જોઇને આરોપી ભાગ્યો, પોલીસે પીછો કરીને ઝડપી પાડયો
વડોદરા,ઘટના સ્થળેથી થોડે દૂર સુધી લોહીના ડાઘા દેખાતા હતા. ત્યારબાદ પોલીસે નજીકમાં ફિટ કરેલા સીસીટીવી ચેક કરતા એક યુવકની હિલચાલ શંકાસ્પદ જણાઇ હતી. જેથી,પોલીસે સીસીટીવી ચેક કરતા આરોપી વિશાલ સરોજ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેનું લોકેશન શોધી કાઢ્યું હતું.આરોપી તરસાલી જી.ઇ.બી.ઓફિસ પાસે ઉભો હોવાની માહિતી મળતા પોલીસ ત્યાં દોડી ગઇ હતી. પોલીસને જોઇને આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પીછો કરીને તેેને ઝડપી લીધો હતો.
વિશાલ ચાર દિવસ પહેલા ઘરે ઝઘડો થતા ઘર છોડીને નીકળી ગયો હતો
વડોદરા,માત્ર ૧૯ વર્ષના વિશાલ સરોજ પાસેથી પોલીસનેએક મોબાઇલ ફોન, જુદી - જુદી બેન્કના છ એ.ટી.એમ. કાર્ડ, બે આર.સી. બુક, સોનાની ચેન અને કાનની બે બુટ્ટી મળી આવ્યા હતા. પાંચ દિવસ પહેલા જ તેને સાવકા પિતા સાથે ઝઘડો થતા તેમના ઘરેથી એ.ટી.એમ.કાર્ડ, આર.સી.બુક લઇને નીકળી ગયો હતો. જેની જાણ પરિવાર દ્વારા મકરપુરા પોલીસને કરવામાં આવી હતી.પૈસાની જરૃરિયાત હોવાથી તેણે પાડોશમાં એકલા રહેતા સિનિયર સિટિઝન દંપતીને ટાર્ગેટ બનાવવાનું નક્કી કર્યુ હતું.
ઘરની બહાર સેન્સરવાળી લાઇટ હોઇ સૌ પ્રથમ લાઇટની મેઇન સ્વીચ બંધ કરી દીધી
વડોદરા,સિનિયર સિટિઝન દંપતી ઘરે એકલા રહેતા હોવાથી કોઇ નાનુ મોટું કામ પડે તો તેઓ પાડોશમાં રહેતા વિશાલની જ મદદ લેતા હતા. જેથી, વિશાલને તેઓની દિનચર્યાની માહિતી હતી. દંપતીના ઘરની બહાર સેન્સર વાળી લાઇટ હોઇ કોઇ પસાર થાય તો તરત જ લાઇટ થતી હોવાથી વિશાલે ગુનાને અંજામ આપતા પહેલા મકાનની લાઇટન મેઇન સ્વીચ બંધ કરી દીધી હતી.
વૃદ્ધાનું ગળું કાપતા સમયે આરોપીને પણ હાથ પર ઇજા
વૃદ્ધાએ બૂમાબૂમ કરતા આરોપીએ ગળા પર સર્જીકલ બ્લેડ ફેરવી દીધી
વડોદરા,આરોપી સર્જીકલ બ્લેડ લઇને લૂંટના ઇરાદે જ ગયો હતો. સુખજીતકૌર મળસ્કે ચાર વાગ્યે ઉઠી જતા હોવાથી આરોપી સાડા ત્રણ વાગ્યાથી જ ઘરની બહાર સંતાઇ ગયો હતો. સુખજીતકૌર ઉઠીને ઘરની બહાર નીકળતા આરોપીએ તેમના ગળાની સોનાની ચેન પકડી લીધી હતી. જોરથી ચેન ખેંચતા વૃદ્ધા નીચે પડી ગયા હતા. બચવા માટે વૃદ્ધાએ બૂમો પાડતા પકડાઇ જવાના ડરથી આરોપીઅએ સર્જીકલ બ્લેડ વડે ગળા પર ગંભીર ઇજા પહોંચાડી હતી. તે સમયે આરોપી વિશાલને પણ જમણા હાથના અંગુઠા પાસે ઇજા પહોંચી હતી. સોનાની ચેન તોડી લીધા પછી આરોપીએ કાનની બુટ્ટીઓ કાઢી લીધી હતી અને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.
વિશાલ ધો.૧૧ સાયન્સનો વિદ્યાર્થી : સાવકા પિતા સામે પણ મર્ડરનો કેસ થયો છે
વડોદરા,વિશાલ સરોજે હાલમાં જ ધો.૧૧ સાયન્સની પરીક્ષા આપી છે. વિશાલના સાવકા પિતા સુખવિંદરસીંગ સામે અગાઉ ૧૭ ગુનાઓ નોંધાયા છે. જેમાં ચોરી, વાહન ચોરી કરી ચેસિસ નંબર, એન્જિન નંબર સાથે ચેડાં કરવા ઉપરાંત એક મર્ડરનો પણ ગુનો દાખલ થયો છે. જેથી, આ ગુનામાં તેઓની સંડોવણી અંગે પોલીસ તપાસ કરી રહી છે. તેઓ હાલમાં જે મકાનમાં રહે છે. તે મકાનનો પણ વિવાદ ચાલતો હોવાની ચર્ચાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તરસાલી જી.ઇ.બી. ઓફિસ પાસે આરોપીએ કપડા બદલીને ફેંકી દીધા
ઘટના સ્થળની સામેના સીસીટીવીથી પોલીસે ચેકિંગ શરૃ કર્યુ
વડોદરા,પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને સૌ પ્રથમ ગુનાના સ્થળની આજુબાજુ ફિટ કરેલા સીસીટીવીની તપાસ હાથ ધરી હતી. ઘરની સામે જ એક સીસીટીવી હતો. ત્યાંથી પોલીસે ચેક કરવાનું શરૃ કરતા થોડે દૂર એક સ્થળે શંકાસ્પદ હિલચાલ જણાઇ હતી. પોલીસે તેને ફોલો કરતા આગળના સીસીટીવીમાં તે રોડ ક્રોસ કરતો દેખાય છે. જેમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. પોલીસે તેની ઓળખ કરી આગળના સીસીટીવી ચેક કરતા એક બાઇક સવાર આવીને તેને બેસાડીને જીઇબી કચેરી ખાતે લઇ જાય છે.ત્યારબાદ પોલીસે તે બાઇક વાળાની તપાસ કરી અને બીજી બાજુ જીઇબી ખાતે જઇને વિશાલને ઝડપી લીધો હતો. વિશાલે જી.ઇ.બી. ઓફિસ પાસે જ લોહીવાળા કપડા ફેંકી દીધા હતા.
એટીએમમાંથી ઉપાડેલા રૃપિયા વપરાઇ જતા લૂંટની યોજના ઘડી
વડોદરા,ઘરેથી પાંચ દિવસ પહેલા નીકળેલા વિશાલ પાસે સાવકા પિતાના બેંકના કાર્ડ હતા. તે કાર્ડમાંથી તેણે ૪૦ હજાર ઉપાડયા હતા. તે રૃપિયામાંથી તે ખર્ચ કરતો હતો. તેના પિતાએ કાર્ડ બ્લોક કરાવ્યું હતું કે કેમ ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ઘરેથી નીકળ્યા પછી વિશાલ રાતે બાકડા પર સૂઇ રહેતો હતો. એ.ટી.એમ.માંથી ઉપાડેલા રૃપિયા વપરાઇ જતા તેણે પાડોશી દંપતીના ઘરે જ લૂંટનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
આરોપીએ કેફી દ્રવ્યનો નશો કર્યો હોવાની શંકા
વડોદરા,પાડોશમાં રહેતા વૃદ્ધાનું ગળું કાપવા માટે વપરાયેલી સર્જીકલ બ્લેડ આરોપી ક્યાંથી લાવ્યો હતો ? તેની તપાસ ચાલી રહી છે. દરમિયાન એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, આરોપીએ ગુનો કરતા સમયે કેફી પદાર્થનો નશો કર્યો હતો. તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.