હરણી બોટ કાંડમાં કોર્પોરેશને છુપાવેલા સૂત્રધાર પરેશ શાહ અને નિલેશ જૈનના નામો ખૂલ્યાઃબંને ફરાર
વડોદરાઃ હરણી બોટકાંડમાં ૧૪ નિર્દોષોની હત્યાના બનાવમાં ફરિયાદી બનેલા કોર્પોરેશનની ગંભીર બેદરકારી બહાર આવી રહી છે.નજીવી રકમમાં ૩૦ વર્ષનો કોન્ટ્રાક્ટ આપનાર કોર્પોરેશનના અધિકારીઓએ તળાવના વહીવટ પ્રત્યે કોઇ જ દરકાર રાખી નહતી.જેને કારણે બોટ કાંડના મુખ્ય સૂત્રધારોના જ નામો ફરિયાદમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.પોલીસે બે આરોપીના નામો ઉમેર્યા છે.
વાઘોડિયારોડની ન્યુ સનરાઇઝ સ્કૂલના બાળકોની બોટ ડૂબી જવાના બનેલા બનાવમાં ૧૨ બાળકો,એક શિક્ષિકા અને એક મહિલા સુપરવાઇઝર મળી કુલ ૧૪ ના મોત નીપજ્યા હતા.સમગ્ર બનાવને પગલે નગરજનોમાં ભારે આક્રોશની લાગણી છે ત્યારે આ બનાવમાં મુખ્ય જવાબદાર કહી શકાય તેવું કોર્પોરેશન પોતે ગુનેગાર નથી તેમ બતાવવા ખુદ ફરિયાદી બન્યું છે.
કોર્પોરેશનની પોલીસ ફરિયાદમાં પણ ગંભીર ભૂલો બહાર આવી રહી છે.જેમાં કોર્પોરેશન પાસે કોન્ટ્રાક્ટના આરોપીઓના પુરતા સરનામા પણ નથી અને એક ભાગીદાર મૃત્યુ પામ્યા હોવા છતાં તેની કોઇ જ જાણકારી નહીં હોવાથી તેને આરોપી બનાવી દીધા છે.
આ ઉપરાંત તળાવનો કોન્ટ્રાક્ટ મે.કોટિયા પ્રોજેક્ટના ૧૫ ભાગીદારોને આપવામાં આવ્યો હોવા છતાં હાલમાં કોણ વહીવટ કરે છે તેની કોઇ જ માહિતી જાહેર કરાઇ નહતી.હરણી વિસ્તારમાં સામાન્ય વ્યક્તિ પણ જાણે છે કે,આ તળાવનો વહીવટ પરેશ શાહ કરે છે.
એસઆઇટીના અધિકારીઓએ પકડાયેલા છ આરોપીઓની ધરપકડ કરી છે અને બાકીના ૧૩ આરોપીઓને શોધી રહી છે.પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન તળાવના રૃપિયાનો વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હોવાની વિગતો ખૂલતાં બંનેને આરોપી બનાવવામાં આવ્યા છે અને તેમને શોધવા ટીમો દોડધામ કરી રહી છે.
હિતેષ કોટિયાનું અવસાન થયું હોઇ તેનું નામ કમી કરી બીજા બે નામ ઉમેર્યા
પરેશ શાહ અને નિલેશ જૈનના નામો ખૂલતાં આરોપીઓની સંખ્યા ૧૯ થઇ
બોટકાંડના ગોઝારા બનાવમાં કોર્પોરેશનની બેદરકારીને કારણે છબરડા થઇ રહ્યા છે.જેથી એફઆઇઆરમાં દર્શાવેલા એક મૃત આરોપીનું પોલીસે નામ કમી કર્યું છે અને બીજા બે આરોપીના નામો ઉમેરવા પડયા છે.
હરણી બોટકાંડમાં કોર્પોરેશને મે.કોટિયા પ્રોજેક્ટના ૧૫ ભાગીદારો,મેનેજર અને બોટના બે ઓપરેટરો મળી કુલ ૧૮સામે ફરિયાદ નોંધાવી હતી.પરંતુ આ ફરિયાદમાં ગંભીર છબરડા હતા અને તળાવનો વહીવટ કરનાર પરેશ શાહ અને નિલેશ જૈનના નામો નો ક્યાંય ઉલ્લેખ નહતો.
આ ફરિયાદમાં બીજા નંબરના દર્શાવેલા હિતેષ કોટિયા નામના આરોપીનું મૃત્યુ થયું હોવા છતાં કોર્પોરેશન પાસે કોઇ જ માહિતી નહતી.જેથી પોલીસે તેનો મરણનો દાખલો મેળવી આરોપી તરીકે નામ કમી કર્યું છે.જ્યારે બે નામોનો ઉમેરો કરતાં કુલ આરોપી ૧૯ થયા છે.