માતાના મૃતદેહને લારીમાં મુકી અંતિમ સંસ્કાર માટે મુકબધિર પુત્ર ખેંચીને લઇ ગયો
મુકબધિર પુત્ર તેની વ્યથા કોઇની સમક્ષ વ્યક્ત ના કરી શક્યો ઃ સ્મશાનમાં એકલા હાથે અગ્નિદાહ આપી ચોંધાર આંસુએ રડયો
અંકલેશ્વર, ભરૃચ તા.૩ અંકલેશ્વર-ભરૃચ માર્ગ ઉપર ભીખ માંગતી માતાનું મૃત્યુ થતા મૂકબધિર પુત્ર માતાના મૃતદેહને નાની ગરગડીવાળી હાથલારી ઉપર મુકી આ લારી ખેંચીને પુત્ર રોડ પરથી અંતિમ સંસ્કાર માટે સ્મશાન સુધી લઈ ગયો હતો. નર્મદા નદીના કિનારે સ્મશાન સુધી માતાના મૃતદેહને ખેંચીને લઇ જવાનું આ હૃદયદ્રાવક દ્રશ્ય નિહાળી કેટલાંક રાહદારીઓના હૃદય કંપી ઉઠયા હતાં.
ભરૃચ અને અંકલેશ્વર વચ્ચે રોડ પર જે જીવન નિર્વાહ કરતી માતાએ એક દીકરાનેે જન્મ આપ્યો હતો. દીકરો જન્મથી બોલી અને સાંભળી શકતો ન હતો તેમ છતાં ભીખ માંગીને માતાએ પુત્રને મોટો કર્યો હતો. ગઈકાલે માતાનું મૃત્યુ થતા નિરાધાર બનેલા મુકબધિર દીકરા માટે માતાના અંતિમ સંસ્કારની વિધિ એક કસોટી સમાન રહી હતી. બોલી નહી શકતો પુત્ર રોડ પર જ રહેતો હોવાથી તે કોઇને માતા મૃત્યુ પામી છે તે સમજાવી શકતો ન હતો.
છેલ્લે પુત્રએ ગરગડીવાળી હાથલારી પર માતાના મૃતદેહને મૂકી એકલા હાથે લારી ખેંચી નર્મદા નદી કાંઠે આવેલ સ્મશાને લઈ જવા નીકળ્યો હતો. રસ્તામાં અનેક લોકો મળ્યા પણ એ મૂંગો હોવાથી કોઈને કહી શક્યો ન હતો. આખરે એક રાહદારીએ આ દ્રશ્ય જોઈ સામાજિક કાર્યકરને ફોન કરતા કાર્યકર મુકબધિર યુવાનની વ્હારે દોડી ગયો હતો.
લારી અને મૃતદેહને કોવિડ સ્મશાન ખાતે લઈ જઈ મુકબધિર પુત્રને સાંત્વના આપી હિન્દુ રિવાજ મુજબ કફન સામગ્રી મંગાવી પુત્રના હાથે માતાની અગ્નિસંસ્કાર વિધિ કરાવી હતી. માતાને ચિરવિદાય આપતા મૂકબધિર પુત્ર ધુ્રસ્કેને ધુ્રસ્કે રડી પડયો હતો.