'મારી બહેન ક્યાં છે ?...', વડોદરા હોડી દુર્ઘટનામાં બે બહેનો ડુબી, એકનો જીવ બચી ગયો, માતાએ નાની દીકરી ગુમાવી

બેભાન હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલી બાળકી બચી ગઇ

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
'મારી બહેન ક્યાં છે ?...', વડોદરા હોડી દુર્ઘટનામાં બે બહેનો ડુબી, એકનો જીવ બચી ગયો, માતાએ નાની દીકરી ગુમાવી 1 - image


Vadodara Boat Accident : બોટ દુર્ઘટનામાં એક પુત્રી ગુમાવી અને બીજી દીકરી બચી ગઇ હતી. સયાજી  હોસ્પિટલમાં પોતાની દીકરી પાસે બેસેલી તેની માતા કંઇ પણ વાત કરવાની હાલતમાં નહતી.

સન રાઇઝ સ્કૂલમાં ભણતી બે સગી બહેનો સુફિયા  અને સકીના પણ પ્રવાસમાં ગઇ હતી. બોટ ઉંધી વળી જતા બંને બહેનો પાણીમાં ડૂબી ગઇ હતી. બંને બહેનોને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. પરંતુ, નાની બહેન સકીનાનો જીવ બચી શક્યો નહતો. જ્યારે મોટી બહેન સુફિયાને સારવાર માટે બેભાન હાલતમાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેની સારવાર તરત શરૃ કરી દીધી હતી. છાતીમાં ભરાઇ ગયેલું પાણી બહાર કાઢી એમ.આઇ.સી.યુ.માં તેને દાખલ કરવામાં આવી હતી.

ડોક્ટરે જણાવ્યું હતું કે, બાળકીના ચેસ્ટનો એક્સરે ક્લિયર આવ્યો છે. તેના ફેફસામાં ભરાયેલું પાણી બહાર નીકળી ગયું છે. હવે તે ખતરાથી બહાર છે. લગભગ ત્રણ કલાક પછી બાળકી ભાનમાં આવી હતી. અને થોડા સમય પછી તે સ્વસ્થ જણાતી હતી. પરંતુ, ભાનમાં આવતાની સાથે જ તેનો પહેલો  પ્રશ્ન એક જ હતો કે, મારી બહેન ક્યાં છે ? સુફિયાની માતા પણ ભારે આઘાતમાં હતી કારણકે તેમણે એક પુત્રી ગુમાવી હતી. જ્યારે બીજી દીકરીનો જીવ બચી ગયો હતો.


Google NewsGoogle News