અલકાપુરી હવેલીના મુખિયાજીનો ગૂમ થયેલો પુત્ર વૃન્દાવનથી મળ્યો
વડોદરાઃ અલકાપુરી હવેલીના મુખિયાજીનો ગૂમ થયેલો પુત્ર આઠ દિવસ બાદ વૃન્દાવનથી મળી આવતાં પરિવારજનો અને ભક્ત સમુદાયમાં આનંદની લાગણી વ્યાપી છે.
અલકાપુરીની ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાજી જોગારામનો ૧૫ વર્ષીય પુત્ર આઠ દિવસ પહેલાં ઘર છોડીને ચાલ્યો જતાં તેની માતાએ અન્નજળનો ત્યાગ કર્યો હતો.જ્યારે તેના પિતાએ ઘરમાં લાલજીની સેવા સોંપવાની વાત કરી હતી.
અકોટા પોલીસ સ્ટેશનના પીઆઇ વાય જી મકવાણા તેમજ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો ગૂમ થયેલા કિશોરને શોધવા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સ મારફતે તપાસમાં લાગી હતી.કિશોર આધ્યાત્મિક રંગે રંગાયો હોવાની અને વારંવાર વૃન્દાવન રહેવા જવું હોવાની વાત કરતો હોવાથી પોલીસે રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા.
દરમિયાનમાં કિશોર વૃન્દાવનમાં કલીકુંડ આશ્રમમાં હોવાની વિગતો મળતાં પોલીસ આશ્રમની બહાર વોચમાં રહી હતી.જે દરમિયાન કિશોર નજરે પડતાં તેની પૂછપરછ કરી હતી અને આશ્રમના સંચાલકો સાથે મુલાકાત કરી તેને વડોદરા લાવવા રવાના થઇ છે.