જીઆઇડીસી રોડ પરથી ગુમ થયેલો બાળક રાજસ્થાનથી હેમખેમ મળ્યો
પોલીસે ૨૦૦ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી : એકલું લાગતું હોવાથી બાળકને પોતાની સાથે લઇ ગયો
વડોદરા, મકરપુરા જીઆઇડીસી રોડ પરથી ત્રણ દિવસ પહેલા ગૂમ થયેલા બાળકને પટાવી ફોસલાવી રાજસ્થાન લઈ જનાર આરોપીને પોલીસે ઝડપી બાળકને મુક્ત કરાવ્યો છે. જ્યારે અપહરણકારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ યુ.પી.ના અને મકરપુરા જીઆઇડીસી રોડ વિહળનગરમાં રહેતો શ્રમજીવી પરિવાર છેલ્લા ત્રણ દિવસથી ગૂમ થયેલા નવ વર્ષના પોતાના બાળકને શોધવા માટે દોડધામ કરી રહ્યો હતો . બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કમિશનર દ્વારા ગૂમ થયેલા બાળકને સત્વરે શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને શહેર પોલીસ તંત્રની અલગ - અલગ ટીમો તપાસ કરી રહી હતી. બનાવ સ્થળેથી મળેલા સીસીટીવી ફૂટેજ ના આધારે આગળ જતા રોડ પરના અંદાજે ૨૦૦ જેટલા સીસીટીવી ફૂટેજની સતત ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે, બાળક અને અપહરણ કર બંને રાજસ્થાન છે. જેથી, રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી વડોદરા પોલીસે બાળકને હેમખેમ બચાવી વડોદરા લઈ આવી હતી તેમજ અપહરણકાર રસીયા મંગલા હીરાભાઇ ડોડિયાર (રહે. અલવા નાકા, ખુલ્લા ગ્રાઉન્ડમાં, માંજલપુર) પણ પકડાઈ ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, અપહરણકારના બાળકનું એક વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું. તેમજ તેની પત્ની પણ છોડીને જતી રહી હોવાથી એકલું લાગતું હોઇ તેના કારણે તે આ બાળકને પોતાની સાથે રાખવા માટે લઈ ગયો હતો. જોકે , પોલીસે આરોપીની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે.
પોલીસની ટીમ સતત પગેરું દબાવી રાજસ્થાન પહોંચી ગઇ
વડોદરાથી ઝાલોદ અને ત્યાંથી પ્રાઇવેટ વાહનમાં રાજસ્થાન પહોંચ્યો
વડોદરા, પોલીસને સીસીટીવી ફૂટેજ એસ.ટી.ડેપો સુધી લઇ ગઇ હતી. જ્યાં આરોપી બાળકને રાજસ્થાનની એક બસમાં લઇને બેસતો દેખાય છે. ત્યારબાદ પોલીસે આ બસ જ્યાં ઉભી રહી તે દરેક સ્થળના સીસીટીવી જોયા હતા. ઝાલોદ સ્ટેન્ડ પર આરોપી ઉતરતો દેખાયો હતો. ત્યાંથી તે તૂફાન ગાડીમાં બેઠો હતો.તે ગાડીના ડ્રાઇવરનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, આરોપી રાજસ્થાનના બાંસવાડા નજીક ભેલકુવા ગામે ઉતર્યો હતો. ત્યાંથી પોલીસે આરોપીની સ્થાનિક પોલીસ અને બાતમીદારોના નેટવર્ક થકી શોધખોળ શરૃ કરી અને છેવટે બંનેને શોધી કાઢી વડોદરા પરત લઇ આવી હતી.