Get The App

થાર જીપ લઇને નીકળેલા સગીરે સાત થી આઠ વાહનોને ટક્કર મારી

પોલીસની આવી કાર્યવાહીના કારણે જ હિટ એન્ડ રનના કિસ્સા વધે છે ઃ સગીરે અન્ય વ્યક્તિના લાયસન્સ પર જીપ ફેરવવા ભાડે લીધી

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
થાર જીપ લઇને નીકળેલા સગીરે  સાત થી આઠ વાહનોને ટક્કર મારી 1 - image

વડોદરા,બરાનપુરા વિસ્તારમાં ગઇકાલે બપોરે ચાર વાગ્યે થાર જીપના ચાલકે સાત થી આઠ વાહનોને  અડફેટે લઇને અકસ્માત સર્જયો હતો. જે અંગે એક નાગરિકે વાડી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. પરંતુ, વાડી પોલીસે ગુનો દાખલ કર્યો નહતો. ઉલ્લેખનીય છે કે, જીપ ચલાવનાર સગીર વયનો હોવાનું જાણવા મળ્યું છે. તેની પાસે ડ્રાયવિંગ લાયસન્સ નહીં હોવા છતાંય પોલીસે કોઇ કાર્યવાહી કરી નહતી.

મળતી માહિતી મુજબ, શહેરના બરાનપુરા વિસ્તારમાં ગઇકાલે બપોરે ચાર વાગ્યે પૂરઝડપે પસાર થતી થાર જીપના ચાલકે સાત થી આઠ વાહનોને ટક્કર મારતા નાસભાગ મચી ગઇ હતી. વાહન લઇને ઉભેલા ત્રણ મિત્રોને પણ સાધારણ ઇજા થઇ હતી. પકડાઇ જવાના ડરથી થાર જીપના ચાલકે ગાડી દોડાવી દીધી હતી. જેથી, એક નાગરિકે તે જીપના ચાલકનો પીછો કરી જીપના અકોટા દાંડિયા બજાર બ્રિજ  પાસે ઝડપી લીધો હતો.

તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે, જીપ ચલાવનાર સગીર વયનો છે  અને તેની બાજુની સીટમાં બેસેલો તેનો મિત્ર પણ સગીર વયનો છે. બંનેએ અન્ય વ્યક્તિના લાયસન્સ પર એક ભરવાડ પાસેથી જીપ ફેરવવા માટે ભાડે લીધી હતી. વાડી પી.આઇ.એ જણાવ્યું હતું કે, આ કેસમાં કોઇ ગુનો દાખલ કર્યો નથી કારણકે અરજી કરનારે એવું કહ્યું કે, મારે કશું કરવું નથી ? ઉલ્લેખનીય છે કે, આવા કિસ્સામાં પોલીસની નરમ કાર્યવાહીના કારણે લાયસન્સ વગર વાહન ચલાવતા લોકો  જ હિટ  એન્ડ રનમાં નિર્દોષ નાગરિકોને જીવ  ગુમાવવાનો વારો આવે છે. આવા કિસ્સાઓમાં પોલીસ જાતે  પણ ફરિયાદી બનીને ગુનો દાખલ કરી શકે છે. પરંતુ, વાડી પોલીસે તેવું કરવાનું ટાળ્યું હતું.


Google NewsGoogle News