સગીરાને ભગાડી જઈ દુષ્કર્મના ગુનામાં આરોપીને સાધુના વેશમાં ઝડપી લેવાયો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની
પોલીસની ધરપકડથી બચવા નરાધમ બાલાસિનોરના પરબીયા ગામના આશ્રમમાં સંતાયો હતો
ભરૂચ: સગીરા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા નરાધમે પોલીસની ધરપકડથી બચવા માટે સાધુનો વેશ ધારણ કરી મહીસાગર જિલ્લાના બાલાસિનોરના પરબીયા ગામના આશ્રમમાં આશરો મેળવી છુપાયો હતો. જે અંગેની બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે તેને દબોચી લીધો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની એક સગીરા ૯૦ દિવસ પહેલા ગુમ થઈ હતી. જે અંગેની ફરિયાદ સગીરાની માતાએ પોલીસ મથકે નોંધાવતાં પોલીસે અપહરણ અને પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
જેની તપાસ દરમિયાન ગુમ સગીરાને પોલીસે દાહોદ ખાતેથી શોધી તેના પરિવારને સોંપી હતી. જ્યારે તેને ભગાડી જનાર નવલ ઉર્ફે કાળીયો ચંદુ ભાભોર (ઉં.વ.૨૨) મળી આવ્યો ન હતો. પોલીસની પૂછપરછમાં સગીરાને ભગાડી જનારે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવતાં પોલીસે બળાત્કાર સહિતનો ગુનો પણ દાખલ કરી આરોપી નવલ ઉર્ફે કાળીયો ભાભોરની શોધખોળ શરૂ કરી હતી.
દરમિયાન જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, આરોપી નવલ ઉર્ફે કાળીયો ભાભોર પરબીયા ગામના આશ્રમમાં સાધુનો વેશ ધારણ કરી રહે છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસે આશ્રમમાં પહોંચી નરાધમને સાધુના વેશમાં જ દબોચી લીધો હતો.