કોર્પોરેશનની ભરતીમાં પણ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ કરી દેવાઈ

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
કોર્પોરેશનની ભરતીમાં પણ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ કરી દેવાઈ 1 - image


સામાન્ય સભામાં રામ મંદિરનો આભાર ઠરાવ સર્વાનુમતે પસાર

અડધો કલાક મોડી શરૃ થયેલી સભા કોઈ ચર્ચા વગર સાત મિનિટમાં આટોપી લેવામાં આવી ઃ ભાડુઆતનો ભારાંક પણ દૂર કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી જોકે અડધો કલાક મોડી શરૃ થયેલી આ સભા ફક્ત સાત મિનિટમાં જ આટોપી લેવામાં આવી હતી. જેમાં રામ મંદિરનો આભાર ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો તો ભરતીમાં પણ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ સુધી કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.

પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકા ની આજે સામાન્ય સભા બપોરે ૧૨.૩૦ વાગે બોલાવવામાં આવી હતી જોકે પક્ષની સંકલનની બેઠકને કારણે અડધો કલાક મોડી સભા શરૃ કરવામાં આવી હતી ત્યારે ૧ વાગે શરૃ થયેલી સભા ફક્ત સાત મિનિટમાં જ આટોપી લેવામાં આવી હતી.  સામાન્ય સભામાં અધ્યક્ષપદેથી મેયર હિતેષ મકવાણાએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. મેયરે જણાવ્યું હતું કે ૫૦૦ વર્ષ બાદ અયોધ્યામાં રામલલ્લાની પૂનઃ સ્થાપના થતાં કરોડો દેશવાસીઓની આસ્થા અને શ્રદ્ધા બળવતર બની છે. આ અભિનંદન આપતો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો જે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પણ મોકલવામાં આવશે.સામાન્ય સભામાં મહાનગરપાલિકામાં ક્લાર્ક વર્ગ-૩ની ભરતીમાં લઘુતમ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદામાં સુધારો કરવાના મુદ્દાને પણ મંજૂરી આપવામાં આવી હતી. આખરી મંજૂરી મળતા હવે ક્લાર્કની ભરતીમાં લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૨ને બદલે ગ્રેજ્યુએટ રહેશે. આ ઉપરાંત પ્રોપર્ટી ટેક્સમાં ભાડુઆતનો ભારાંક દૂર કરવાના એજન્ડાને પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. પ્રોપર્ટી ટેક્સમાં ભાડે આપેલી મિલકતો પર ૧.૫ ભારાંક રાખવામાં આવ્યો હતો. જેને કારણે તેમાં પ્રોપર્ટી ટેક્સ વધારે ભરવાનો રહેતો હતો. પરંતુ બે અલગ બિલ જનરેટ કરવાથી લઇને સિવિલ કેસ નોંધાવા સહિતની સમસ્યાઓ ઉદભવતી હોવાથી અમદાવાદ મહાનગરપાલિકાની પેટર્નનો અભ્યાસ કરીને ભારાંક દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી ભાડે આપેલી મિલકતોના માલિકોને વધારાના ટેક્સમાંથી રાહત મળશે જ્યારે મહાનગરપાલિકાને અંદાજે ૨ કરોડ જેટલી આવક જતી કરવી પડશે.


Google NewsGoogle News