હરણી બોટકાંડના સૂત્રધાર બંને સાઢુએ કરારના દસ્તાવેજો ભાગીદારોને આપ્યા જ નહતા
વડોદરાઃ હરણીની બોટ દુર્ઘટનાના બનાવમાં મુખ્ય સૂત્રધાર એવા બંને સાઢુ તેમજ ભાગીદારોની પૂછપરછ દરમિયાન કોર્પોરેશન સાથેના કરારના તમામ ડોક્યુમેન્ટ બંને સાઢુએ જ રાખ્યા હોવાની વિગતો બહાર આવી છે.
હરણી લેકઝોનમાં બોટ પલટી જવાના બનેલા બનાવમાં ન્યુ સનરાઇઝ સ્કૂલના ૧૨ બાળકો,એક શિક્ષિકા અને એક મહિલા સુપરવાઇઝર મળી કુલ ૧૪ના ભોગ લેવાયા હતા.આ બનાવમાં પોલીસે લેકઝોનના કોન્ટ્રાક્ટર મે.કોટિયા પ્રોજેક્ટના ૧૬ ભાગીદારો સહિત ૧૯ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.પોલીસે અત્યાર સુધીમાં કુલ ૯ આરોપીઓની ધરપકડ કરી છે.
એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાના અધ્યક્ષપદે બનેલી સિટના અધિકારીઓની તપાસ દરમિયાન કોર્પોરેશન સાથે કરાર કરનાર કોટિયા પ્રોજેક્ટના કરારના ડોક્યુમેન્ટ પૂર્વ ટાઉન પ્લાનર ગોપાલદાસ શાહ અને તળાવના મુખ્ય વહીવટદાર પરેશ શાહ પાસે હોવાની માહિતી જાણવા મળી છે.
પોલીસે ભાગીદારોની પૂછપરછ કરતાં તેમણે કરારના ડોક્યુમેન્ટ તેમની પાસે નહિં હોવાની અને અત્યાર સુધી પ્રોજેક્ટમાં કરેલા રોકાણ સામે કોઇ વળતર પણ નહિં મળ્યુ હોવાની કબૂલાત કરી છે.આ બાબતે તપાસ કરવા માટે પોલીસ તમામના બેન્ક ખાતાની પણ તપાસ કરી રહી છે.