વાહનો ચોરી બંધ મકાનોને નિશાન બનાવતી ગેંગનો માસ્ટર માઇન્ડ પકડાયો,જુદાજુદા શહેરોમાં 25 જેટલા ગુના
વડોદરાઃ શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરી કરતી ગેંગના માસ્ટર માઇન્ડને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતાં ૨૦ દિવસના ગાળામાં શહેરમાં ત્રણ સ્થળે ચોરી કર્યાની વિગતો ખૂલી છે.
દુમાડ નવીનગરીમાં રહેતા સુનિલસિંગ પાનસિંગ ઉર્ફે અર્જુનસિંગ બાવરી ચોરીના બનાવોમાં સંડોવાયેલો હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ રાખી તેને ઝડપી પાડયો હતો.તપાસ દરમિયાન ૨૦ દિવસ દરમિયાન તેણે સુભાનપુરામાંથી બાઇક ચોરી કર્યા બાદ બે સાગરીતો સાથે નવાપુરાની બંધ ઓફિસ તેમજ ફતેગંજ નાયરા પેટ્રોલપંપ પાસેના ફ્લેટમાંથી રોકડ અને દાગીનાની ચોરી કર્યાની વિગતો ખૂલી હતી.
પોલીસે તેની પાસેથી ચોરેલી બાઇક અને દાગીના મળી કુલ રૃ.૬૫ હજાર ઉપરાંતની મત્તા કબજે કરી ફતેગંજ,ગોરવા અને નવાપુરા પોલીસને આરોપી સામે તેમના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુના બદલ કાર્યવાહી કરવા જાણ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,સુનિલસિંગ સામે અગાઉ અમદાવાદ,વડોદરા, નર્મદા, છોટાઉદેપુર,ખેડા,જામનગર,મોરબી જેવા નગરોમાં વાહનચોરી,ઘરફોડ ચોરી અને રાયોટિંગ સહિતના કુલ ૨૫ જેટલા ગુના નોંધાયેલા છે.જ્યારે એક વાર પાસા હેઠળ જેલમાં પણ જઇ આવ્યો હતો.