પ્રોડક્ટમાં રોકાણ કરી 6 થી 12 ટકાના નફાની સ્કીમ મૂકી માર્કેટ સેલર કંપનીએ 83 ગ્રાહકો પાસે 3 કરોડ ખંખેરી લીધા
વડોદરાઃ મેન્યુફેક્ચરર સાથે કોન્ટ્રાક્ટ કરી ઓનલાઇન પ્રોડક્ટ વેચવાના ધંધામાં રોકાણ કરી ગણતરીના દિવસોમાં જ ૬ થી ૧૨ ટકા રિટર્નની ઓફર કરનાર માર્કેટ સેલર કંપનીએ ઉઠમણું કરતાં વડોદરા બ્રાન્ચના ૮૩ રોકાણકારોએ રૃ.૩ કરોડ ગૂમાવ્યા છે.
વડોદરાના ગેંડાસર્કલના સેન્ટ્રલ સ્કવેર મોલ પાસે મંગલા ઓસન બિલ્ડિંગના આઠમા માળે જાન્યુઆરી-૨૦૨૨માં ઓફિસ શરૃ કરનાર માર્કેટ સેલર કંપનીએ મેનેજર તરીકે શુભમ અગ્રવાલ(સત્વ સોસાયટી,કૃણાલ ચાર રસ્તા પાસે,ગોત્રી મૂળ જનતા સો.ગોધરા રોડ,દાહોદ) તેમજ સ્ટાફની નિમણૂક કરી ઓનલાઇન ટ્રેડની તાલીમ પણ આપી હતી.
મેનેજર શુભમ અગ્રવાલે પોલીસને કહ્યું છે કે,કંપનીની હેડઓફિસ રણજીત એવન્યૂ,અમૃતસર,પંજાબ ખાતે હતી અને તેના મુખ્ય સંચાલક જસ્મિત હરજીતસિંગ (જ્ઞાાનખંડ-૧,ઇન્દિરાપૂરમ્,ગાઝીયાબાદ, યુપી) તેમજ પ્રણવ સુબોધ ત્યાગી(ધનાયન, મુઝફ્ફર નગર,યુપી) હતા.
કંપની જુદીજુદી પ્રોડક્ટના ઉત્પાદકો પાસે જથ્થાબંધ માલ ખરીદતી હતી અને તે પ્રોડક્ટનું એમેઝોન,ફ્લિપકાર્ટ વગેરે પર ઓનલાઇન વેચાણ કરી નફો રાકાણકારોને આપવાની ઓફર કરતી હતી.જેથી પ્રોડક્ટનું વેચાણ થાય કે ના થાય,નફો મળે કે ના મળે પરંતુ રોકાણકારોને ગણતરીના દિવસોમાં જ ૬ થી ૧૨ ટકા નફો મળી જાય તેવી સ્કીમ હતી.આ સ્કીમમાં વડોદરા બ્રાન્ચમાં કુલ ૮૩ ગ્રાહકોએ રૃ.૩ કરોડથી વધુ રકમનું રોકાણ કર્યું હતું.પરંતુ તેમને રકમ કે નફો પરત કર્યા નથી અને કંપનીઓ ઓફિસને તાળાં મારી દીધા છે.જેથી ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.
પ્રોડક્ટ વેચાય કે ના વેચાય,નફો મળે કે ના મળે,ઇન્વેસ્ટરને નક્કી કરેલું રિટર્ન મળશે
1લાખની નીચે 32 દિવસમાં 6 ટકા,તેથી વધુ રોકનારને 48 દિવસમાં 12 ટકાનો નફો
માર્કેટ સેલર કંપનીની સ્કીમ પ્રથમ દ્ષ્ટિએ જ લોભામણી લાગે તેવી હતી.આમ છતાં રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે સંચાલકો સફળ રહ્યા હતા.
કંપનીએ ત્રણ પ્રકારના પ્લાન મૂક્યા હતા.જેમાં (૧) ઓરિજિનલ પ્લાનમાં ૨૧ કેટેગરીની પ્રોડક્ટ અને તેમાંથી ૩ ની પસંદગી (૨) સ્વીટ પ્લાન અને (૩) પ્રોફેશનલ પ્લાનમાં ૨૧-૨૧ કેટેગરીની પ્રોડક્ટ અને તેમાંથી ૮ પ્રોડક્ટની પસંદગી કરવાની હતી.
જે પણ રોકાણકાર રૃ.૧ લાખથી નીચે રકમ ઇન્વેસ્ટ કરે તો તેને ૨૮થી ૩૨ દિવસમાં ૬ ટકાનો નફો તેમજ ૧ લાખથી ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ કરનારને ૪૫ થી૪૮ દિવસમાં ૧૨ ટકાનો નફો આપવાનો હતો.જેમાં ધંધો ના થાય કે પ્રોફિટ ના મળે તો પણ રિટર્ન આપવાની ગેરેન્ટી હતી.
કંપનીએ ભાડેથી ઓફિસ રાખી હતી
અમૃતસરની માર્કેટ સેલર કંપનીએ વડોદરા બ્રાન્ચ માટે ગેંડાસર્કલ પાસે મંગલા ઓસન બિલ્ડિંગના આઠમા માળે ભાડેથી ઓફિસ લીધી હતી.તેમાં ગ્રાહકો આકર્ષાય તે રીતે સ્ટાફ અને ફર્નિચર,કોમ્પ્યુટરની પણ સવલત આપી હતી.
સૌથી વધુ રકમ ગૂમાવનાર કોણ
માર્કેટ સેલર કંપનીની વડોદરા બ્રાન્ચની ઓફિસમાં સૌથી વધુ રોકાણ કરનારાઓમાં (૧) ભૂમિત શેઠે રૃ.૧.૩૨કરોડ(૨)હિતેષ છોટાલાલ ગોહિલે રૃ.૨૯.૯૬ લાખ(૩) ૂબીના ધવલભાઇ ઠક્કર રૃ.૨૩.૨૫ લાખ (૪) તેજેન્દ્ર રાઠોડ રૃ.૨૨.૯૮ લાખ (૫) દર્શન મહેન્દ્રભાઇ પટેલ રૃ.૧૬.૫૬ લાખ.
આ સિવાયના રોકાણકારોએ રૃ.૫૦ હજારથી માંડીને રૃ.૮ લાખ સુધીની રકમનું રોકાણ કર્યું છે.