રેસકોર્સમાં સ્ટેરિચ એજ્યુકેશ ઓફિસના સંચાલક દંપતીએ યુવકો પાસે વિઝાના નામે 82 લાખ ઠગી લીધા

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
રેસકોર્સમાં સ્ટેરિચ એજ્યુકેશ ઓફિસના સંચાલક દંપતીએ યુવકો પાસે વિઝાના નામે 82 લાખ ઠગી લીધા 1 - image

વડોદરાઃ વડોદરામાં વિઝા ઓફિસ શરૃ કરનાર સંચાલકો દ્વારા યુવક-યુવતીઓ પાસે રૃપિયા પડાવી લેવાના વારંવાર બનાવો બની રહ્યા છે.અલકાપુરીના સ્ટેરિચ એજ્યુકેશ નામની ઓફિસ ખોલી ઉઠમણું કરનાર દંપતીએ આણંદ અને વડોદરાના ૨૦ જેટલા યુવક- યુવતીઓના રૃ.૮૨.૬૦ લાખ પડાવી લેતાં તેની સામે આણંદના ટ્રાવેલ એજન્ટે ફરિયાદ નોંધાવી છે.

આણંદના વલ્લભવિદ્યાનગરમાં સત્ય સાંઇ બંગ્લોઝ ખાતે રહેતા અને ફ્લાય ઓવરસીઝ વિઝા ટુર્સ એન્ડ ટ્રાવેલ નામની ઓફિસ ધરાવતા જિજ્ઞોશકુમાર મેઘાએ વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં સિડકપ ટાવરમાં સ્ટેરિચ એજ્યુકેશ નામની ઓફિસ ધરાવતા નિરજકુમાર પરમાનંદ પટેલ અને તેની પત્ની રિપલ પટેલ(અર્થ સોમનાથ, શૈશવ સ્કૂલ પાસે,ગોત્રી-સેવાસી રોડ,વડોદરા) સામે ફરિયાદ નોંધાવી છે.

તેમણે કહ્યું છે કે,જૂન-૨૦૨૧માં મારો સંપર્ક બંને પતિ-પત્ની સાથે થયા બાદ તેમણે મને યુએસ,યુકે,યુરોપ જેવા દેશોમાં ક્લાયન્ટને મોકલશો તો તેમને દુબઇ ખાતે છ મહિના રાખીને સારી પ્રોફાઇલ બનાવી સેટ કરી દઇશ તેવી ખાતરી આપી હતી.જેથી મેં વડોદરા,આણંદ,બોરસદ તેમજ અન્ય વિસ્તારના મારા ૨૦ જેટલા ક્લાયન્ટને તેમની પાસે મોકલ્યા હતા.પરંતુ તેમણે વારંવાર વાયદાઓ કરી તમામને રખડાવી દીધા છે.

એજન્ટે કહ્યું છે કે,મેં મારા ક્લાયન્ટો પાસેથી ઉઘરાવેલા રૃ.૬૨.૬૦ લાખ તેમજ મારા પોતાના રૃ.૨૦ લાખ મળી કુલ રૃ.૮૨.૬૦ લાખ દંપતીને મોકલ્યા છે.પરંતુ તેમણે મને રકમ પણ પરત કરી નથી.જેથી ગોત્રી પોલીસે દંપતી સામે ગુનો નોંધ્યો છે.

20 લાખનું રોકાણ કરશો તો ડિરેક્ટર બનાવી સીધો ૧ કરોડનો ફાયદો કરાવીશું

વિદ્યાનગરના ટ્રાવેલ એજન્ટને કંપનીમાં ડિરેક્ટર બનાવવાના નામે દંપતીએ રૃ.૨૦ લાખ પડાવી લીધા હતા.

ટ્રાવેલ એજન્ટ જિજ્ઞોશભાઇએ પોલીસને કહ્યું છેકે,વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં સ્ટેરિચ એજ્યુકેશ નામની ઓફિસ ધરાવતા નિરજકુમાર પટેલ અને તેની પત્ની રિપલ પટેલે તેમની કંપનીમાં ભાગીદાર બનાવવાની ઓફર કરી હતી.

દંપતીએ કહ્યું હતું કે,જો તમે રૃ.૨૦ લાખ ઇન્વેસ્ટ કરશો તો તમને ડિરેક્ટર બનાવી સીધો રૃ.૧કરોડનો ફાયદો કરાવીશું.જેથી મેં હા પાડતાં તેમનો માણસ દક્ષ નૈયર મારે ઘેર આવી રોકડા રૃ.૨૦ લાખ લઇ ગયો હતો.

દંપતીએ કેનેડાના પીઆર માટે એક ક્લાયન્ટના બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કર્યા

નિરજે કહ્યું,કેનેડામાં પીઆર માટે ડીગ્રી જોઇએ..તમે ચિંતા ના કરો,હું ફોડી લઇશ

રેસકોર્સમાં ઓફિસ ધરાવતા દંપતીએ રૃપિયા પડાવ્યાની સાથે સાથે બોગસ ડોક્યુમેન્ટ પણ તૈયાર કરાવ્યા હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

નિરજ પટેલ અને તેની પત્ની રિપલ સામે ફરિયાદ કરનાર વિદ્યાનગરના ટ્રાવેલ એજન્ટે પોલીસને કહ્યું છે કે,મેં ગોધરાના ધર્મેશ પટેલ નામના ક્લાયન્ટનું કેનેડાના પીઆર માટે કામ સોંપ્યું હતું.

નિરજે આ ફાઇલમાં બોગસ માર્કશીટો અને બીજા દસ્તાવેજો બનાવી રજૂ કર્યા હતા. જેથી મેં વાંધો લેતાં નિરજે કહ્યું હતું કે,પીઆર માટે ડીગ્રી જરૃરી છે.તમે ચિંતા ના કરો.હું બધું ફોડી લઇશ.બંને દંપતી ગમે તે ઘડીએ દુબઇથી આવીને ચાલ્યા જાય છે.


Google NewsGoogle News