એસ.ટી. ડ્રાઇવરને ખેંચ આવતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા
ટ્રાફિક જામના કારણે બસ ઉભી હોવાથી દુર્ઘટના ટળી ગઇ
વડોદરા,જાંબુવા બ્રિજ પાસે ચાલુ બસે ડ્રાઇવરને ખેંચ આવતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. જોકે, ટ્રાફિક જામના કારણે બસ ઉભી હોવાથી કોઇને ઇજા થઇ નહતી. માત્ર ડ્રાઇવરને સામાન્ય ઇજા પહોંચી હતી.
બનાવની વિગત એવી છે કે, શહેર નજીકના જાંબુવા બ્રિજ પાસે આજે સવારે ટ્રાફિક જામ હતો. ટ્રાફિકમાં ફસાયેલી મોડાસાથી વ્યારા જતી એસ.ટી.બસ ઉભી હતી. તે દરમિયાન ડ્રાઇવર ગામીત રાહુલભાઇ હરિલાલ ઉ.વ.૪૦ ( રહે. ખરારિયા ગામ, વ્યારા, તાપી)ને અચાનક ખેંચ આવતા તે ઢળી પડતા માથાના ભાગે ઇજા પહોંચી હતી. એક મુસાફરે એમ્બ્યુલન્સને કોલ કરતા ડ્રાઇવરને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત સુધારા પર છે. બસમાં ૩૦ મુસાફરો હતા. જો ચાલુ બસમાં ડ્રાઇવરને ખેંચ આવી હોત તો મુસાફરોના જીવ જોખમમાં મૂકાઇ જાત.