શહેરની ૩૫ હોસ્પિટલના બેઝમેન્ટમાં પાણી ભરાતા ૭૦ દર્દીઓના જીવ જોખમમાં મૂકાયા
તંત્ર દ્વારા બે કલાક પહેલા જાણ કરવામાં આવી હોત તો હોસ્પિટલમાં અફરા તફરીનો માહોલ ઉભો થાત નહીં
વડોદરા,શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીના કારણે જળબંબાકાર સર્જાયો હતો. જેના કારણે શહેરની ૩૫ હોસ્પિટલમાંથી અંદાજે ૭૦ દર્દીઓને અન્યત્ર શિફ્ટ કરવાની ફરજ પડી હતી. જ્યારે અન્ય દર્દીઓ કે જેઓ સ્ટેબલ હતા. તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
જન્માષ્ટમીના દિવસે પડેલા ધોધમાર વરસાદ અને ત્યારબાદ વિશ્વામિત્રી નદીના પૂરના કારણે શહેરમાં ભારે તારાજી સર્જાઇ છે. શહેરની નેતાગીરી સદંતર નિષ્ફળ જતા ગૃહ મંત્રીને વડોદરા આવીને મામલો હાથમાં લેવાની ફરજ પડી છે. એવી વિગતો પણ જાણવા મળી છે કે, પૂર અંગે તંત્ર દ્વારા આગોતરી જાણકારી આપવામાં આવી નહતી. જેના કારણે હોસ્પિટલના ડોક્ટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. શહેરની ૩૫ હોસ્પિટલોમાં આઇ.સી.યુ.ની ઇલેક્ટ્રિક પેનલ બેઝમેન્ટમાં છે. ત્યાં પાણી ભરાવાનું શરૃ થતા ઇલેક્ટ્રિક સપ્લાય બંધ થાય તેવી પરિસ્થિતિ હતી. જો એવું થાય તો વેન્ટિલેટર અને આઇ.સી.યુ.માં ક્રિટિકલ કન્ડીશનમાં સારવાર લેતા દર્દીઓના જીવને જોખમ ઉભું થાય તેવી હાલત હતી. હોસ્પિટલના ડોક્ટરોને છેલ્લી ઘડીએ ૭૦ દર્દીઓ અન્યત્ર ખસેડવા પડયા હતા. જેમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો બે કલાક પહેલા પણ તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હોત તો આવો માહોલ સર્જાયો ન હોત. ૭૦ દર્દીઓ ઉપરાંત એવા પણ દર્દીઓ હતા. જેઓને હાલત સ્ટેબલ હતી. તેઓને ઘરે મોકલી દઇ ટેલિફોન પર સારવાર આપવામાં આવી હતી.
પૂરના પાણી ઓસર્યા પછીના ૧૦ થી ૧૫ દિવસોમાં રોગચાળાનો ભય
રોજ દવાનો છંટકાવ અને સમયાંતરે મેડિકલ કેમ્પ યોજવા જોઇએ
વડોદરા,વડોદરા આવેલા ગૃહ રાજ્ય મંત્રી દ્વારા આગામી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અલગ - અલગ સંસ્થાઓ સાથે મુલાકાત કરી વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વડોદરાના પ્રમુખ ડો. મિતેશ શાહે એવી રજૂઆત કરી હતી કે, પૂરના પાણી ઓસર્યા પછીના ૧૦ થી ૧૫ દિવસમાં રોગચાળો ફેલાવાની શક્યતા છે. આ દિવસોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઇ કામગીરી અત્યંત ઝડપી કરવી જોઇએ. રોજ દવાનો છંટકાવ તેમજ સમયાંતરે મેડિકલ ચેકઅપ કેમ્પ અને દવાઓનું વિતરણ કરવું જોઇએ. તેમણે કહ્યું હતું કે, વડોદરાના ૧૪ હજાર ડોક્ટરો મેડિકલ કેમ્પ સહિતની કામગીરી માટે તૈયાર છે. તંત્ર દ્વારા અમને સ્થળ અને સમયની જાણકારી આપવામાં આવશે તો અમે કેમ્પ કરવા પણ તૈયાર છીએ.